અશ્વિનની ટી 20 ફોર્મેટમાં વાપસી થતા આ દિગ્ગજ ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે…

ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ ટૂંકા ફોર્મેટમાં વાપસી થઇ છે. અશ્વિને 4 વર્ષ બાદ ટીમમાં પ્રવેશ કરતાની સાથે જ જબરદસ્ત બોલિંગ કરીને બધાને તેમના પ્રશંસક બનાવી દીધા હતા. અશ્વિનની જાદુઇ બોલિંગને આખી દુનિયા જાણે છે. સ્ટાર બેટ્સમેનો પણ તેની સામે રમી શકતા નથી. ટી 20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમમાં તેને તક મળતા તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો.

મહેન્દ્રસિંહ ધોની જ્યાં સુધી કેપ્ટન હતા ત્યાં સુધી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સુપર હિટ હતી. આ બંને સાથે મળીને વિરોધી ટીમ પર પ્રેશર બનાવીને રાખતા હતા. ચેન્નઇ સુપર કિંગ્સમાં આ બંને ખેલાડીઓ એક સાથે જોવા મળતા હતા. પરંતુ વર્ષ 2017 બાદ અશ્વિનને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું અને જાડેજા પણ અંદર-બહાર થતો હતો. પરંતુ અશ્વિનના સતત સારા પ્રદર્શનને કારણે તેની ફરી એકવાર ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે.

રવિચંદ્રન અશ્વિનને ચાર વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. ટી 20 વર્લ્ડકપ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. કોઇ પણ બેટ્સમેન માટે તેનો કેરમ બોલ રમવો સરળ નથી. અશ્વિનની ટીમમાં વાપસી થયા તેણે બાદ 5 મેચમાં 9 વિકેટ ઝડપી લીધી છે. આવા ખતરનાક ફોર્મમાં અશ્વિનને જોતા લાગી રહ્યું છે કે સ્પિનર કુલદીપ યાદવનું કેરિયર જોખમમાં મૂકાઇ ગયું છે.

કુલદીપ યાદવ વિરાટ કોહલીનો સૌથી નજીકનો ખેલાડી ગણાતો હતો. ઇજાને કારણે કુલદીપ યાદવને બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પોતાનું સ્થાન મેળવી શક્યો નહીં. કુલદીપ યાદવના સ્થાને હાલ રવિચંદ્રન અશ્વિન જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવ બંને ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડી છે.

ભારતીય બોલર કુલદીપ યાદવ ચાઇનામેન બોલર તરીકે જાણીતો છે. આઇપીએલમાં કુલદીપ યાદવ કેકેઆર તરફથી રમે છે. ઇજાને કારણે આઇપીએલમાં રમી શક્યો ન હતો. કુલદીપ યાદવે અત્યાર સુધીમાં ભારત માટે 21 ટી 20 મેચમાં 39 વિકેટ, 65 વનડેમાં 107 વિકેટ અને 8 ટેસ્ટ મેચમાં 26 વિકેટ લીધી છે. અશ્વિન ઉપરાંત ઘણા બોલેરો ટીમમાં સામેલ થયા છે. વરુણ ચક્રવર્તી જેવા યુવા સ્પિનરોએ ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે.

ટી 20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સારા પ્રદર્શનના કારણે રવિચંદ્રન અશ્વિનને સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ તક મળી શકે છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન કાયમ કર્યું છે. તેમાં પણ તે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. અશ્વિનનું પુનરાગમન થતાં કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *