રવિચંદ્રન અશ્વિનનું પત્તું કાપી આ ઘાતક સ્પિનર ટીમ ઇન્ડિયામાં થયો સામેલ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે સિરીઝ શરૂ થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને ઘણા બધા અનુભવી ખેલાડીઓની વાત પણ થઇ છે.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઇજાને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થયો હતો. પરંતુ હવે તે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે ફીટ થઇ ગયો છે. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ભારતીય ટીમમાં પણ ઘણાબધા ફેરફાર જોવા મળ્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝની પસંદગી બાદ સૌથી મોટો ઝટકો ભારતના સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિને લાગ્યો છે. જેણે તાજેતરમાં જ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં વાપસી કરી હતી. પરંતુ તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે પોતાની બોલિંગ કુશળતા બતાવવામાં નિષ્ફળ ગયો હતો. જેના કારણે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 બંને સિરીઝમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રવિચંદ્રન અશ્વિનના સ્થાને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં વન-ડેમાં કુલચાની જોડી ફરી એક વખત મેદાનમાં જોવા મળશે. તમને જણાવી દઇએ કે કુલદીપ યાદવે તેની છેલ્લી વન-ડે મેચ 26 જાન્યુઆરી 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી.
આ સિવાય જો યુવા ખેલાડીઓની વાત કરવામાં આવે તો રવિ બિશ્નોઇ અને દિપક હુડાનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઝડપી ફાસ્ટ બોલર આવેલ ખાન, હર્ષલ પટેલ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ બધા ખેલાડીઓની લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ રહી છે.