જો આવું થશે તો જ ટીમ ઇન્ડિયાને મળશે સેમીફાઇનલની ટીકીટ!

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમના ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેના કારણે ભારતને પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલના દરવાજા લગભગ બંધ થઇ ગયા હતા. પરંતુ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી સેમિફાઇનલ માટે પોતાની આશાઓને જીવંત રાખી છે.

ભારતને હવે સમય સેમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમો પર આધાર રાખવો પડશે. આજે એટલે કે 7 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચમાં જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત માટે સેમિફાઇનલનો રસ્તો સાફ થઇ જશે.

અફઘાનિસ્તાન આ મેચમાં જીતી જશે તો ભારતને પોતાની આગામી મેચ નામિબિયા સામે રમવાની છે. જો તે પણ મેચ ભારત જીતી જશે તો ભારત સેમિફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી જશે તો ભારતનો પ્રવાસ અહીં જ સમાપ્ત થઇ જશે.

તમામ ભારતીય ચાહકો એવી પ્રાર્થના કરી રહ્યા છે કે આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાન જીતે અને ભારત સેમીફાઇનલમાં પહોંચશે કારણ કે ભારતીય ટીમ વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ છે. પરંતુ તેને પહેલી બંને મેચોમાં ખરાબ પ્રદર્શનના કારણે હારનો સામનો કરવો પડયો હતો. જેના કારણે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

તમને જણાવી દઇએ કે, આ વર્લ્ડકપમાં ભારતે પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. જેમાં ભારતને દસ વિકેટે હારનો સામનો કરવો પડયો હતો અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામે મોટા માર્જિનથી મેચ જીતી વાપસી કરી છે.

સ્કોટલેન્ડ સામેની જીત બાદ ભારતીય ટીમની નેટ રન રેટ હાલ સૌથી વધુ છે. તેથી જો આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાન જીતી જશે અને ભારત પોતાની આગામી મેચ નામિબિયા સામે જીતી જશે તો અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ભારત ત્રણેય ટીમના પોઇન્ટ સરખા થઇ જશે. તેથી મામલો નેટ રન રેટના આધારે નક્કી થશે. તો ભારતની નેટ રન રેટ હાલ સૌથી વધુ છે. જેના કારણે ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *