આ પાંચમાંથી કોઇ એક ખેલાડી બની શકે છે અમદાવાદનો કેપ્ટન…

આઇપીએલ 2022 ભારતમાં રમાશે તેવું નક્કી થઇ ચૂક્યું છે. આઇપીએલ 2021 માં આઠ ટીમો હતી. ત્યારબાદ બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ સામેલ થઇ ગઇ છે. આઇપીએલની શરૂઆત પહેલા એ જાણવું જરૂરી છે કે આ બંને ટીમના કેપ્ટન કોણ બનશે. આ બંને ટીમના કેપ્ટન પદ માટે ઘણા બધા ખેલાડીઓના નામ સામે આવ્યા છે.

અમદાવાદની ટીમ સીવીસી કેપિટલે 5166 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ ટીમના કેપ્ટન પદ માટે પાંચ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. તેમાં સૌથી પહેલું નામ ડેવિડ વોર્નરનું સામે આવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં ડેવિડ વોર્નરનું સ્થાન નિશ્ચિત નથી અને તેણે કહ્યું હતું કે તે મેગા ઓક્શનમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં તેને અમદાવાદની કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે.

આઇપીએલ 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ડેવિડ વોર્નરનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જેના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેવિડ વોર્નર લાગ્યું કે તેની સાથે અન્યાય થયો છે તેથી તેણે હૈદરાબાદની ટીમને છોડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આઇપીએલ 2021 બાદ તે એક ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે.

અમદાવાદના કેપ્ટન તરીકે બીજું નામ એરોન ફિન્ચનું સામે આવ્યું છે. એરોન ફિન્ચ ટી 20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન છે. આઇપીએલ 2020માં તે આરસીબી સાથે જોડાયો હતો પરંતુ ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ તેની કેપ્ટનશીપ હેઠળ ટી 20 વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી. એક કેપ્ટન તરીકે તે સફળ રહ્યો હોવાથી તે અમદાવાદનો કેપ્ટન બની શકે છે.

કેએલ રાહુલ વિકેટકીપિંગની સાથે સારી એવી કેપ્ટનશીપ પણ કરી શકે છે. પંજાબ કિંગ્સ તરફથી તેનું નામ સામે ન આવતા હવે રાહુલ અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે. કેએલ રાહુલ ખૂબ જ અનુભવી ખેલાડી છે. કેએલ રાહુલનો રેકોર્ડ પણ શાનદાર છે અને તે કેપ્ટનશીપ સંભાળી શકે છે. અમદાવાદના કેપ્ટન તરીકે કેએલ રાહુલનું નામ સામે આવી શકે છે.

26 વર્ષીય ખેલાડી શ્રેયસ ઐયરને અમદાવાદના કેપ્ટન તરીકે દાવેદાર માનવામાં આવે છે. શ્રેયસ ઐયરને દિલ્હી કેપિટલ્સની ટીમ રીટેન ન કરતા તે હવે મેગા ઓક્શનમાં અમદાવાદ ટીમ સાથે જોડાઇ શકે છે. 2020 માં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ કરતા તેણે ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. પરંતુ આઇપીએલ 2021 પહેલા તે ઇજાગ્રસ્ત થતા રિષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાંથી બહાર થયેલ હાર્દિક પંડ્યા અમદાવાદનો કેપ્ટન બની શકે છે. હાર્દિક પંડ્યા ટી 20 ફોર્મેટમાં ધમાકેદાર બેટિંગ કરે છે. તેને ભારતનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. હાર્દિક પંડ્યા એક ગુજરાતી ખેલાડી પણ છે અને અમદાવાદની ટીમમાં તેને કેપ્ટન તરીકે જોવા માટે ચાહકો ઉત્સુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *