રોહિત શર્મા નહીં પરંતુ બીજી ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડી કરશે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ…

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો 28 રને પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ મેચની શરૂઆત ખૂબ જ સારી કરી હતી અને છેલ્લી ઈનિંગમાં ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ભારતીય બેટ્સમેનો માત્ર 202 રનના સ્કોર સુધી જ સિમિત રહ્યા હતા.

હવે આગામી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે અને આ મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. ટીમમાં કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા બદલાઈ શકે છે. કારણકે પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો અને તે જ સમયે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે બંને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિશાખાપટ્ટનમ ટેસ્ટ પહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે આગામી ટેસ્ટ મેચમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. સાથે જ તેણે રોહિત શર્માને ત્રીજા નંબર પર રમવાની સલાહ આપી છે. વસીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાત કહી છે.

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. તેણે છેલ્લે ગત વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રેડ બોલ ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી. આ પછી, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પણ ફ્લોપ સાબિત થયો હતો.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમને પ્રથમ ઇનિંગમાં માત્ર 23 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ફરી એક વખત તેને ઓપનિંગ કરવાની તક મળવી જોઈએ તેવું પૂર્વ ક્રિકેટર વસીમ જાફરનું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *