રોહિત કે કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી…
આઇપીએલ 2022 ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. મેગા ઓક્શન માટે કુલ 1214 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો સ્પર્ધામાં ભાગ લેશે.
મેગા ઓક્શન પહેલા તમામ જૂની ટીમોએ રિટેન્શન લિસ્ટ બહાર પાડ્યા છે. બાકીના તમામ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે કે આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશિપ ચીની કંપની વિવો પાસેથી લઇને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે.
અમદાવાદ અને લખનઉ ટીમને બીસીસીઆઇ દ્વારા 22 જાન્યુઆરીના રોજ ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી જાહેર કરવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘણા ખેલાડીઓને રિટેન્શન લિસ્ટમાં પણ સારા ભાવો મળ્યા છે. મેગા ઓક્શન પહેલા જ ઘણા ખેલાડીઓ ખૂબ ઉંચા ભાવે વેચાઇ ચુક્યા છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને સૌથી વધારે ભાવમાં ખરીદવામાં આવ્યો છે.
આઇપીએલની હરાજી પહેલા લખનઉની ટીમે રાહુલને ખરીદવા માટે 17 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આટલી બધી મોટી રકમ હજુ સુધી કોઇ ખેલાડીને આપવામાં આવી નથી. ત્યારબાદ અન્ય ખેલાડીઓ પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને રિષભ પંતને 16-16 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા છે.
ત્યાર પછીના મોંઘા ખેલાડીઓના નામમાં હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને રાશિદ ખાનનું નામ સામે આવ્યું છે. આ તમામને તેમની ટીમ તરફથી 15-15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. એક સમય હતો જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સૌથી વધુ રૂપિયામાં ખરીદાતો હતો પરંતુ આ વર્ષે તેને 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ભારતીય ખેલાડી સંજુ સેમસન અને ન્યુઝીલેન્ડ બેટ્સમેન વિલિયમ્સનને 14-14 કરોડ રૂપિયા આપીને તેઓની ટીમે ખરીદ્યા છે. આઇપીએલ 2022ની શરૂઆત માર્ચ-એપ્રિલ મહિનામાં થશે. તે પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનાર મેગા ઓક્શન પણ ઘણું રસપ્રદ રહેશે.