રાશિદ ખાન નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ ખેલાડી મચાવશે તબાહી…

ટી 20 વર્લ્ડકપમાં ભારત પ્રથમ બે મેચ હાર્યા બાદ બે મેચ જીત્યું હતું. સ્કોટલેન્ડ સામેની મેચમાં ભારત સારી રનરેટથી જીત્યું હતું. અન્ય ટીમ કરતા ભારતની રનરેટ સારી છે. પરંતુ ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી તે જરૂરી છે. અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે આજે રમશે.

અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જો ન્યૂઝીલેન્ડનો વિજય થાય તો ભારતના તમામ સપના ત્યાં જ ખતમ થઇ જશે. પરંતુ જો અફઘાનિસ્તાનનો વિજય થાય તો ભારત સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી શકે તેમ છે. અબુધાબીમાં આજે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાશે. આ મેચ નક્કી કરશે કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે કે નહીં.

આ મેચ પહેલા અફઘાનિસ્તાન માટે એક સારા સમાચાર આવ્યા છે. જમણા હાથના ઓફ સ્પિનર મુજીબ ઉર રહેમાન સાજો થઇ ગયો છે. તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મેદાનમાં ઉતરે તેવી અપેક્ષા છે. પહેલાની મેચમાં તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ઇજાને કારણે તે ભારત અને નામીબીયા સામેની મેચમાં રમી શક્યો ન હતો.

તેણે ટી 20 વર્લ્ડકપ 2021 માં અત્યાર સુધીમાં છ વિકેટ લીધી છે. સ્કોટલેન્ડ સામેની મેચમાં મુજીબે 20 રન આપીને 5 વિકેટ લીધી હતી અને પાકિસ્તાન સામેની મેચમાં તેણે એક વિકેટ લીધી હતી. ટી 20 વર્લ્ડ કપ 2021 માં પાંચ વિકેટ લેવાનું કારનામું તેની સિવાય ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝેમ્પાએ કરી બતાવ્યું હતું. તેણે પણ બાંગ્લાદેશ સામેની મેચમાં પાંચ વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા મુજીબે એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે હેપી બેક ટુ જીમ મૂડ. તે જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો હતો. મુજીબ જો ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પરત ફરશે તો અફઘાનિસ્તાનની ટીમ જોરદાર પ્રદર્શન કરી શકે છે. ભારતના ચાહકોને પણ એવી આશા છે કે મુજીબ પોતાના ફોર્મમાં પરત ફરે.

20 વર્ષીય મુજીબ ઉર રહેમાનને અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. મુજીબનો સ્ટ્રાઇક રેટ 15.4 અને ઇકોનોમી રેટ 5.96 હતો. આ વર્લ્ડકપમાં તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ભારતને સેમિફાઇનલમાં પ્રવેશ મળશે કે નહીં તે આ મેચમાં નક્કી થશે. ભારતના તમામ દિગ્ગજ ખેલાડીઓ અને ચાહકોની નજર આ મેચ પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *