રાહુલ કે ઐયર નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી બની શકે છે અમદાવાદની ટીમનો કેપ્ટન…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો ભાગ લેશે. આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન પણ થવાનું છે. 11, 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન યોજાશે. મેગા ઓક્શન પહેલા તમામ જુની ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

કોરોનાને કારણે આઇપીએલ 2021 બે તબક્કામાં યોજવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોનાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે. પરંતુ બીસીસીઆઇ પાસે પ્લાન B તૈયાર છે. અમદાવાદ અને લખનઉ બંને ટીમો નવી આવી હોવાને કારણે તે બંનેને ત્રણ-ત્રણ ખેલાડીઓ પસંદ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

મેગા ઓક્શનનું આયોજન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થવાનું હતું. પરંતુ અમદાવાદની માલિકી કંપની CVC કેપિટલ્સનું સટ્ટાબાજી કંપનીઓ સાથે કથિત જોડાણ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી અને અંતે બીસીસીઆઇએ CVC કેપિટલ્સને પત્ર લખીને મંજૂરી આપી છે. બીસીસીઆઇ દ્વારા નવી ટીમોને જણાવવામાં આવ્યું છે કે આ મહિનાના અંત પહેલા તેઓ તેમની પસંદગીના 3 ખેલાડીઓને પસંદ કરી શકે છે.

અમદાવાદ અને લખનઉ ટીમના કેપ્ટન ઉપરાંત ત્રણ ખેલાડીઓની પસંદગી શરૂ થઇ ચૂકી છે. અમદાવાદના કેપ્ટન તરીકે પહેલાં એવી અટકળો ચાલી રહી હતી કે રાહુલ અથવા ઐયરને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પરંતુ તાજેતરના સમાચાર અનુસાર અમદાવાદના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ સામે આવ્યું છે. ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સે જાળવી રાખ્યો નથી. તેની સાથે બધા સંબંધો તોડી નાંખ્યા છે. હાર્દિક પંડ્યા એક ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે કેપ્ટનશીપ સાંભળવામાં પણ સફળ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદની ટીમનું મુખ્ય કોચનું પદ સંભાળે તેવી શક્યતા છે.

આઇપીએલ 2022માં અમદાવાદની ટીમ હાર્દિક પંડયાની કેપ્ટનશીપ હેઠળ મેદાને ઉતરે તેવી શક્યતા છે. અમદાવાદની ફ્રેન્ચાઇઝી અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાન અને મુંબઇના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને પણ સામેલ કરવા ઇચ્છે છે. આ ઉપરાંત બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *