રાહુલ ચહર નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કાપશે ભુવનેશ્વર કુમારનું પત્તું…
ટી 20 વર્લ્ડ કપ 2021 માં 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે માત આપી ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત ભારત સામે જીત મેળવી હતી. આ જીત પણ કંઇ નાની ન હતી. પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવ્યું હતું.
ભારત પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ ભારત માટે જીતવી ખૂબ જરૂરી છે કારણ કે જો આ મેચ ભારત હારી જશે તો સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ જશે. તેથી ભારત આ મેચને લઇને કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં.
પાકિસ્તાને પોતાની બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જેમાં પાકિસ્તાનને જબરદસ્ત જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનનું જીતવું ભારત માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે કારણ કે ન્યૂઝીલેન્ડ પોતાની આગામી મેચ ભારત સામે રમશે અને જો ભારત આ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત માટે સેમિફાઇનલનો રસ્તો સાફ થઇ જશે.
પરંતુ ભારતને ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાન સામે કારમી હાર બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. ટીમનો અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર ટીમમાંથી બહાર થઇ શકે છે. તેના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. શાર્દુલ ઠાકુરને ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે, જ્યારે ભારતીય ટીમ પસંદ કરવામાં આવી હતી ત્યારે શાર્દુલ ઠાકુરની પસંદગી નહોતી કરવામાં આવી પરંતુ ત્યારબાદ તેને અક્ષર પટેલના સ્થાને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શાર્દુલ ઠાકુર એક મેચવિનર ખેલાડી છે. તે માત્ર એક ઓવરમાં મેચને પલટી શકે છે. આવું કારનામું તેણે આઇપીએલ 2021 ની ફાઇનલ મેચમાં કરી બતાવ્યું હતું.
શાર્દુલ ઠાકુર આઇપીએલ 2021 માં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતો. તેણે આઇપીએલ 2021 માં 16 મેચમાં 21 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે ચેન્નઇ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેના ઘાતક પ્રદર્શનને જોતાં તેને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.