કોહલી કે રાહુલ નહીં પરંતુ આ બે ઘાતક ખેલાડીઓથી ડરે છે સાઉથ આફ્રિકા…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાવાની છે. જેના માટે ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પહોંચી ગઇ છે. સાઉથ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થશે. ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2018માં છેલ્લી વખત ટેસ્ટ સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતને 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમમાંથી એબી ડીવિલિયર્સ, ડેલ સ્ટેન, હાશીમ આમલા અને વર્નોન ફિનલેન્ડ જેવા દિગ્ગજ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
ભારતીય ટીમ આજ સુધી સાઉથ આફ્રિકામાં ક્યારેય પણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ આ કારનામું કરવા ઇચ્છશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ભારતના એવા બે ખેલાડીઓના નામ આપ્યા છે. જેમને તે આ સીરીઝ દરમિયાન પોતાની ટીમ માટે ખતરનાક માને છે.
વર્ષ 2018 માં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં જસપ્રીત બુમરાહએ ટેસ્ટ ડેબ્યું કર્યું હતું. અને હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અગ્રણી બોલર બની ગયો છે. આવી સ્થિતિમાં ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે બુમરાહના જોખમને સ્વીકાર્યું અને કહ્યું કે તેની ટીમ માટે સંપૂર્ણ ભારતીય બોલરના હુમલાનો સામનો કરવો મુશ્કેલ હશે.
સાઉથ આફ્રિકાના કેપ્ટને વધુમાં કહ્યું કે ભારતીય ટીમ એક મજબૂત ટીમ છે. ભારતીય ટીમ છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. તાજેતરના કેટલાક વર્ષોમાં ભારતે વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. તેમાં પણ ખાસ કરીને અનુભવી બોલરો જેવા કે જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન જબરદસ્ત લયમાં જોવા મળી રહ્યા છે.
ડીન એલ્ગરે કહ્યું કે વિદેશના પ્રવાસોમાં ભારતની બોલિંગમાં ઘણો સુધારો થયો છે. અમે જે બોલિંગ આક્રમણ સામે રમવા જઇ રહ્યા છીએ તેની સામે અમારે સાવચેતી પૂર્વક રમવું પડશે. સિરીઝની શરૂઆતની મેચ પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ફાસ્ટ બોલર એનરિક નોર્ટજે ઇજાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. હવે કગિસો રબાડા અને ડુઆન ઓલિવર બોલિંગનું નેતૃત્વ કરશે.