કેન વિલિયમ્સન નહીં પરંતુ ભારત સામેની સિરીઝમાં આ ઘાતક ખેલાડી કરશે ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમાવાની છે. જેની શરૂઆત 17 નવેમ્બરથી થશે. ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી છે. તેના સ્થાને ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે અને હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી બાદ રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. રોહિત અને રાહુલ બંને આજથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
પહેલી ટી 20 મેચ માટે બંને ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટી 20 વર્લ્ડકપ બાદ વર્કલોડ વધુ હોવાને કારણે ઘણા બધા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તેથી હવે જોવાનું એ રહેશે કે આ યુવા ટીમ કઇ રીતે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
તમને જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમે જબરદસ પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં એકતરફી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપમાં ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ જીત મેળવવામાં અસફળ રહ્યું હતું. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરના રોજ પહેલી ટી 20 મેચ રમાશે.
પહેલી ટી 20 સિરીઝમાં કેન વિલિયમ્સનના સ્થાને ટીમ સાઉથી ટીમની કમાન સંભાળશે. ભારતીય ટીમની સાથે ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને આરામ આપવામાં આવ્યો છે. તેથી તેના સ્થાને ટી 20 સિરીઝમાં ટીમ સાઉથી ટીમની કમાન સંભાળતો નજરે આવશે.
ન્યૂઝીલેન્ડની ટીમે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે જેમાં ડેરિલ મિચેલ, માર્ટિન ગુપ્ટીલ, ગ્લેન ફિલિપ્સ બેટ્સમેન તરીકે રમશે જ્યારે ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ફાસ્ટ બોલિંગ કરશે. સ્પિન બોલર તરીકે ઇશ સોઢી અને મિચેલ સેન્ટેનર રમશે.
ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કિપર), ઇશાન કિશન (વિકેટ કિપર), વેંકટેશ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, આર.અશ્વીન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, હર્ષ પટેલ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.