દિલ્હી નહીં પરંતુ આ ટીમ મેગા ઓક્શનમાં અશ્વિન પર લગાવશે સૌથી મોટી બોલી…
આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. આ વર્ષે 11, 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શનનું આયોજન પણ થવાનું છે. જેમાં તમામ ખેલાડીઓની હરાજી થશે. મેગા ઓક્શન પહેલા જુની આઠ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ 30 નવેમ્બરના રોજ જાહેર કર્યા છે.
દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તેણે રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિચ નોર્ટજે આ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન જેવા અનુભવી ખેલાડીઓને બહાર કર્યા છે. રવિચંદ્રન અશ્વિન તાજેતરમાં ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે અન્ય ટીમ સાથે ઊંચી બિડથી જોડાઇ શકે છે.
આઇપીએલ 2022 માટે મેગા ઓક્શનમાં વધુ સમય બાકી નથી. તમામ ટીમો પોતપોતાની રીતે હરાજીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઘણા દિગ્ગજ ખેલાડીઓ તેમની જૂની ટીમોમાં પરત ફરી શકે છે. હાલમાં અશ્વિને જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતાં સ્પષ્ટ થાય છે કે હરાજીમાં તેનો દર ઊંચો થઇ શકે છે.
રવિચંદ્રન અશ્વિન ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. પરંતુ ખરાબ ફોર્મના કારણે તે માત્ર ટેસ્ટ મેચનો ભાગ રહ્યો હતો. પરંતુ ફરીથી તેણે પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે વનડે અને ટી 20માં પણ તે હવે જોવા મળે છે. આઇપીએલની છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યો હતો પરંતુ તાજેતરમાં યોજાનાર મેગા ઓક્શનમાં તે અન્ય ટીમ સાથે જોડાઇ શકે છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની અને ચેન્નઇ સુપરકિંગ્સ અશ્વિનને ટીમમાં પરત લાવવા પર નજર રાખી રહ્યા છે. તે મોટી બોલી લગાવીને આ ખેલાડીને ખરીદી શકે છે. એવું જાણવા મળ્યું છે કે ચેન્નઇ સુપરકિંગ્સ રવિચંદ્રન અશ્વિન પર 12-13 કરોડની બોલી લગાવી શકે છે. રવિચંદ્રન અશ્વિન ચેન્નઇ માટે હમેંશા મેચવિનર સાબિત થયો છે.
રવિચંદ્રન અશ્વિન ઘણા લાંબા સમય સુધી ચેન્નઇ સુપર કિંગ્સનો સભ્ય રહ્યો હતો. જ્યારે સીએસકે પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે તે પુણે સુપરજાયન્ટસ તરફથી રમ્યો હતો. આ પછી તેને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે તેને ટ્રાન્સફર દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ ફરી એકવાર અશ્વિન હરાજીમાં ભાગ લેવા જઇ રહ્યો છે.