બુમરાહ નહીં પરંતુ આ બે ઘાતક ખેલાડીઓ હતા વાઇસ કેપ્ટન બનવાના પ્રબળ દાવેદાર…
તાજેતરમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે. ત્રણ મેચોની આ ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય યુવા બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયા હતા. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે કેએલ રાહુલને ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવા ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવતા ઘણા સવાલો ઉઠયા છે. પૂર્વ નેશનલ સિલેક્ટરે રવિવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં બુમરાહ કરતાં પણ અનુભવી અને સારા ખેલાડીઓ ટીમમાં હાજર છે અને આ ખેલાડીને કેપ્ટનશીપનો કોઇ અનુભવ નથી. આવી સ્થિતિમાં આ નિર્ણય યોગ્ય કહેવાય નહીં.
વનડે ટીમની જાહેરાત પહેલા એવી અટકળો હતી કે જો રોહિત શર્માને પડતો મૂકવામાં આવે તો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અથવા શ્રેયસ ઐયરને વાઇસકેપ્ટન બનાવવામાં આવી શકે છે. કારણ કે આ બંને ખેલાડીઓ કેપ્ટનશીપનો અનુભવ ધરાવતા ખેલાડીઓ છે અને ભારતીય ટીમ આ ત્રણેય ફોર્મેટમાં પણ રમે છે.
શ્રેયસ ઐયર અને રિષભ પંત આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. આ બંને ખેલાડીઓ ખૂબ અનુભવ ધરાવે છે. જસપ્રીત બુમરાહ કરતા પણ આ બંને ખેલાડીઓ વાઇસ કેપ્ટન માટે વધારે દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ બીસીસીઆઇના અધ્યક્ષ ચેતન શર્માએ વનડે સિરીઝ માટે વાઇસ કેપ્ટન તરીકે બુમરાહનું નામ સામે આપ્યું છે.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને ઘણા લાંબા સમય પછી તક આપવામાં આવી છે. આ તકનો લાભ ઉઠાવીને આ તમામ ખેલાડીઓ ભારતીય ટીમને આફ્રિકા સામેની વનડે સિરીઝમાં વિજય અપાવી શકે છે. ભારત અને આફ્રિકા વચ્ચે વનડે મેચ 19, 21 અને 23 જાન્યુઆરીના રોજ રમાશે.