અમદાવાદ નહીં પરંતુ આ ટીમ સાથે જોડાઇ શકે છે શ્રેયસ ઐયર…

આઇપીએલ 2022ને લઇને દરેક ટીમોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીસીસીઆઇ દ્વારા સૌથી મોટા અને સારા સમાચાર આપવામાં આવ્યા છે કે અમદાવાદની ટીમને લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યો છે. હવે એ વાત કન્ફર્મ થઇ ગઇ છે કે અમદાવાદ અને લખનઉ બંને ટીમો આઇપીએલ 2022 માં મેદાન પર રમતી જોવા મળશે. આ બંને ટીમોને લીલી ઝંડી મળી ગઇ છે.

બીસીસીઆઇ દ્વારા અમદાવાદ અને લખનઉ ટીમને તેમના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. મેગા ઓક્શનનું આયોજન 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. મેગા ઓક્શન પહેલા બંને નવી ટીમો તેમના ત્રણ પસંદ કરેલા ખેલાડીઓની જાહેરાત કરશે.

અમદાવાદની ટીમની વાત કરીએ તો તેમાં એવી અટકળો ચાલી રહી હતી કે શ્રેયસ ઐયરને કેપ્ટન તરીકેની જવાબદારી સોપવામાં આવશે. પરંતુ તાજેતરમાં અમદાવાદની ટીમે જાહેર કર્યું છે કે હાર્દિક પંડ્યા તેમની ટીમનો કેપ્ટન હશે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર અમદાવાદની ટીમ સાથે જોડાશે નહીં.

આ દરમિયાન કેટલાક નવા સમાચાર સામે આવી રહ્યા છે કેકેઆરની ટીમ શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કરવા માંગે છે. તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપી શકે છે. ઐયરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ આઇપીએલ 2020 ની ફાઇનલમાં પહોંચી હતી. આઇપીએલ 2021 પહેલા તે ઇજાગ્રસ્ત થયો હોવાથી તેના સ્થાને રિષભ પંતને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐયરને રિટેન કર્યો નથી.

શ્રેયસ ઐયર પાસે કેપ્ટનશીપનો બહોળો અનુભવ છે. તે પોતાના એક નિર્ણયથી મેચને પોતાની તરફ ખેંચી શકે છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ શ્રેયસ ઐયર ઉપરાંત કાગીસો રબાડાને પણ પોતાની ટીમમાં લેવા માટે તૈયાર છે. આ ઉપરાંત કોલકત્તા નાઇટ રાઇડર્સે આંદ્રે રસલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર અને સુનિલ નારાયણને રિટેન કર્યા છે.

આઇપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં યોજવામાં આવી હતી અને આ વર્ષે પણ કોરોનાને કારણે મુશ્કેલીઓ વધી શકે છે. પરંતુ બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે પ્લાન બી તૈયાર છે. આ વર્ષે આઇપીએલ પહેલા યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે અને ઘણા વર્ષો પછી તમામ ખેલાડીઓની હરાજી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *