મેગા ઓક્શન : રીટેન્શન લિસ્ટ બાદ જાણો કઇ ટીમ પાસે બચ્યા કેટલા કરોડ…
આઇપીએલ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં યોજાવા જઇ રહ્યું છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન્શન લિસ્ટ બહાર પાડ્યા છે. નવી આવેલી અમદાવાદ અને લખનઉ ટીમોએ બે દિવસ પહેલાં જ તેઓના ખેલાડીઓને પસંદ કર્યા છે.
અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ એક દિવસ પહેલા જ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને પોતાની ટીમમાં સામેલ કર્યા છે આ ઉપરાંત નવી આવેલી લખનઉ ટીમે કેએલ રાહુલ, રવિ બિશ્નોઈ અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસને સામેલ કર્યા છે. હવે અમદાવાદ ટીમ પાસે 53 કરોડ અને લખનઉ ટીમ પાસે 60 કરોડ રૂપિયા બચ્યા છે.
મેગા ઓક્શન પહેલા ચેન્નઇ સુપરકિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા. નિયમોનુસાર ટીમોના પગારમાં 42 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી મેગા ઓક્શનમાં તેના પાંચ ખેલાડીઓને ખરીદવા માટે માત્ર 48 કરોડ રૂપિયા બચ્યા છે.
પંજાબ કિંગ્સે આઇપીએલ 2022 મેગા ઓક્શન પહેલા બે ખેલાડીઓને જાળવી રાખ્યા છે. મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે જાળવી રાખ્યા છે. પંજાબની ટીમ 72 કરોડ રૂપિયા સાથે મેગા ઓક્શનમાં ઉતરશે. મેગા ઓક્શનમાં સૌથી વધારે પર્સ ધરાવતી ટીમ પંજાબ કિંગ્સ પાસે 72 રૂપિયા જેટલું ફંડ રહેલું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સેલેરીના મામલે બીજા સ્થાને છે. હૈદરાબાદ પાસે ખર્ચવા માટે 68 કરોડ રૂપિયા બાકી છે. હૈદરાબાદની ટીમે મેગા ઓક્શન પહેલા કેન વિલિયમ્સન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને જાળવી રાખ્યા છે. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તેની પાસે ખેલાડીઓને ખરીદવા માટે પાસે 62 કરોડ રૂપિયા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેણે ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. હાલમાં તેની પાસે ખેલાડીઓને ખરીદવા માટે 57 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત કોલકત્તા નાઈટ રાઈડર્સ પાસે 48 કરોડ રૂપિયા અને દિલ્હી કેપિટલ્સ પાસે 47.5 કરોડ રૂપિયા છે. આ તમામ ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની ખરીદી કરવા મેગા ઓક્શનમાં જોડાશે.