ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે કોહલી, જાણો કોણ બનશે કેપ્ટન…

ટી 20 વર્લ્ડ કપમાં ભારત સતત હારનો સામનો કરી રહ્યું હતું. ખેલાડીઓના સતત ખરાબ પ્રદર્શનના કારણે ભારત સેમીફાઇનલમાં પહોંચી શક્યું નહીં. વિરાટ કોહલીએ પણ ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. આ ઉપરાંત ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમના હેડ કોચ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

ટી 20 ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ વન-ડે અને ટેસ્ટમાં પણ ખતરો છે. વિરાટ કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક ખેલાડી છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ તેણે અત્યાર સુધી ટીમ ઇન્ડિયાને એક પણ આઇસીસી ટ્રોફી જીતાડી નથી. આઇપીએલમાં પણ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કરતા એક પણ ટ્રોફી જીતી નથી. વિરાટ કોહલીની કેપ્ટનશિપ બાદ ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થઇ છે.

વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં બહાર રહેશે તો કેપ્ટન તરીકે આ ત્રણ ખેલાડીઓ માંથી કોઇ એકની પસંદગી થઇ શકે છે. ભારતના સ્ટાર ખેલાડી અને ધૂરંધર બેટ્સમેન એવા રોહિત શર્મા પણ ટેસ્ટ અને વન-ડેમાં કેપ્ટન માટે દાવેદાર છે. રોહિત શર્માની આગેવાની હેઠળ આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે.

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ ટીમ ઇન્ડિયાની કમાન સોંપવામાં આવી શકે છે. અશ્વિન સૌથી વધુ અનુભવ ધરાવતો ખેલાડી છે. અશ્વિનને ભારતનો જ નહીં પરંતુ આખા વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ઓફ સ્પિનર માનવામાં આવે છે. જો અશ્વિનને કેપ્ટન બનાવવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેનું નામ પણ સામે આવ્યું છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારત બીજી ઇનિંગમાં 36 રનમાં ઓલ-આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું માનવું હતું કે વિરાટ કોહલી વગર મેચમાં પલટવાર થઇ શકે નહીં. પરંતુ ટીમ ઇન્ડિયાએ રહાણેની કેપ્ટનશીપ હેઠળ પલટવાર કર્યો હતો.

ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થઇ ચૂકી છે. જો વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ નહીં રમે તો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે તે અગત્યનું છે. ઘણા બધા ખેલાડીઓ કેપ્ટનશીપ માટે દાવેદાર છે. તેથી હવે જોવાનું એ પણ રહેશે કે કોહલી બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *