IPL 2022 પહેલા પંજાબ કિંગ્સથી અલગ થશે કેએલ રાહુલ, જાણો કઈ ટીમ સાથે જોડાશે…
આઈપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સને સેમિફાઇનલ-1 માં હરાવીને ચેન્નઇ સુપરકિંગ્સે નવમી વખત આઈપીએલની ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને સેમિફાઇનલ-2 માં સ્થાન બનાવ્યું છે.
હવે બુધવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમિફાઇનલ-2 રમાશે. આ મેચમાં જેની જીત થશે તે શુક્રવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2021 ની ફાઇનલ મેચ રમશે. જે ટીમો આઈપીએલ 2021 માંથી બહાર થઈ ગઈ છે, હવે તેઓએ આઈપીએલ 2022 ની તૈયારી શરૂ કરી દીધી છે.
આઈપીએલ 2022 માટે મેગા ઓક્શન થશે. તે પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. આઈપીએલની આગામી સીઝન પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ આ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ શકે છે. કારણ કે તેના નામ પર મેગા ઓક્શનમાં ભારે બોલી લાગી શકે છે.
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2022માં બે નવી ટીમો ઓક્શનમાં જોવા મળશે. તેથી કેપ્ટન કેએલ રાહુલ પર વધારે બોલી લાગે તેવી શક્યતાઓ છે. નવી ફ્રેન્ચાઇઝ આવા ઘાતક ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા માંગશે.
કેએલ રાહુલ 2018 માં પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પંજાબ કિંગ્સ તરફથી રમતા ચારમાંથી ત્રણ સિઝનમાં 600થી વધુ રન બનાવ્યા છે. તે 2019માં જ આ આંકડો પાર કરી શક્યો ન હતો. તેણે તે સિઝનમાં પણ 593 રન બનાવ્યા હતા.
જો કેએલ રાહુલ પંજાબ કિંગ્સથી અલગ થશે તો હરાજીમાં તેને મોટી રકમ મળે તેવી શક્યતાઓ છે. કારણ કે આઈપીએલની આગામી સીઝનમાં 2 નવી ટીમો પણ જોવા મળશે. આવી સ્થિતિમાં બંને નવી ટીમોની નજર કેએલ રાહુલ પર પણ રહેશે. તેથી તે પંજાબ કિંગ્સથી અલગ થઈને હરાજીમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે.