વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં નહીઁ રમે કિંગ કોહલી, જાણો શું છે કારણ…

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન કારમી હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ સતત જીત મેળવી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભવ્ય જીત મેળવી હતી અને હવે પ્રથમ બંને ટી-20 મેચમાં પણ ભવ્ય વિજય મેળવ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન પદ સંભાળ્યા પછી ભારતીય ટીમને એક પણ મેચમાં હાર મળી નથી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને ટી-20 મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. રોહિત શર્મા આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને સતત નવા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી રહ્યો છે અને મજબૂત ટીમ બનાવી રહ્યો છે. ખેલાડીઓના ખરાબ પ્રદર્શન પર તે સતત ધ્યાન દોરી રહ્યો છે અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચન કરી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ 20 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. પરંતુ તે પહેલા જ ભારતીય ટીમને એક મોટો ફટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ સિરીઝમાંથી બહાર થયો છે. તો ચાલો જાણીએ વિરાટ કોહલી અચાનક કયા કારણોસર સમગ્ર સિરીઝમાંથી બહાર થયો છે.

ભારતીય સુપર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ રમશે નહીં. પીટીઆઇ અનુસાર વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા બ્રેક આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી હવે પોતાના ઘરે જવા માટે રવાના થઇ ગયો છે. ઘણા લાંબા સમયથી તેને બ્રેક મળ્યો નહોતો. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની સિરીઝ પહેલા તેને આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં ખૂબ જ સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે 41 બોલમાં 52 રન ફટકારીને મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવ્યા હતા. આ ઉપરાંત ત્રીજી મેચમાં પણ તે ફોર્મમાં હોવાને કારણે વધારે રન બનાવી શકે તેમ હતો. પરંતુ તે પહેલા જ તે આરામ કરવા માટે સિરીઝમાંથી બહાર થયો છે.

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને બીજી ટી-20 મેચમાં 8 રને હરાવીને વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં બહાર બેઠેલા ખેલાડીઓને તક મળી શકે છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઇશાન કિશનના સ્થાને ઋતુરાજ ગાયકવાડને ત્રીજી ટી-20 મેચમાં ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *