ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અટકળો પર જાડેજાએ આપ્યું આ મોટું નિવેદન, જાણો વિગતે…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા જવાની છે. આ પ્રવાસ સીરીઝ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. આફ્રિકા પ્રવાસ શરૂ થાય એ પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગી ચૂક્યો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથના ભાગે ઇજા પહોંચતાં રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.

બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાના કારણે મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. આ ઉપરાંત ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસનો હિસ્સો રહેશે નહીં. રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે ટીમમાંથી બહાર થયો છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ રવિન્દ્ર જાડેજાએ રમી હતી. પરંતુ ઇજાગ્રસ્ત થતા તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો હતો. આ દરમિયાન મીડિયામાં સમાચાર આવ્યા હતા કે રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા માંગે છે કેમકે તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં પસંદ કરવામાં આવ્યો નથી. કોહલીએ જણાવ્યું હતું કે જાડેજા ઇજાને કારણે બહાર થયો છે અને તેની ખોટ અમને આફ્રિકા પ્રવાસે વર્તાશે.

આ સમગ્ર મામલે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ખોટા મિત્રો અફવા પર વિશ્વાસ કરશે પરંતુ જે સાચા મિત્રો છે તે મારા પર વિશ્વાસ રાખશે. રવિન્દ્ર જાડેજાની ઇજા એટલી ગંભીર છે કે તે ચાર થી પાંચ મહિના સુધી રિકવર થઇ શકશે નહીં. આવામાં દક્ષિણ આફ્રિકા સીરીઝ પછી શ્રીલંકા સામેની સિરીઝમાં પણ તે જોવા મળશે નહીં. હવે પછી તે સીધો આઇપીએલમાં રમતો જોવા મળી શકે છે.

રવિન્દ્ર જાડેજા ભારત માટે અગત્યનો ખેલાડી છે. ખાસ કરીને વિદેશી પ્રવાસમાં તે ત્રણેય ફોર્મેટમાં રમીને ભારતીય ટીમ માટે સફળ સાબિત થાય છે. ભારતનો આ ઓલરાઉન્ડર ખેલાડી લાંબા સમય સુધી બહાર રહેશે તો તેની ખોટ ભારતીય ટીમને વર્તાશે. રવિન્દ્ર જાડેજા બેટિંગ અને બોલિંગની સાથે સારી એવી ફિલ્ડિંગ પણ કરે છે.

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 57 મેચો રમી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 200 વિકેટ લેનારો બોલર છે. તેણે 2.41ની સરેરાશથી 232 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. જ્યારે બેટિંગમાં તેણે 33.76ની સરેરાશથી 2195 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત ઇંગ્લેન્ડ વિરુદ્ધ નાગપુરમાં વર્ષ 2012માં કરી હતી. આ ઘાતક ખેલાડી ભારતીય ટીમ માટે હંમેશા મહત્વપૂર્ણ સાબિત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *