છેલ્લી ઓવરમાં જીત માટે 30 રનની જરૂર હતી અને પછી થયું એવું કે, જુઓ…
વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં બીજી મેચ રવિવારે એટલે કે 23 જાન્યુઆરીના રોજ બાર્બાડોસમાં રમાઇ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચના છેલ્લા બોલ સુધી એ ખબર નહોતી પડી રહી કે આ મેચ કોણ જીતશે.
મેચ ની વાત કરીએ તો ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝની ટીમે 19 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝને જીત માટે છેલ્લી ઓવરમાં 30 રનની જરૂર હતી અને અકીલ હુસૈન સ્ટ્રાઇક પર હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ફાસ્ટ બોલર સાકિબ મહમૂદને આ છેલ્લી ઓવર ફેંકવા માટે આપી હતી. મહમૂદે ઓવરમાં બે વધારાના રન આપ્યા હતા. તે જ સમયે અકીલે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા અને મેચ એક રનથી હારી ગયો.
આ મેચમાં અંતે ઇંગ્લેન્ડની ટીમ જીતી ગઇ હતી. પરંતુ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓએ લોકોના દિલ જીતી લીધા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ મેચમાં અકીલ હુસૈને 16 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. જેમાં હુસૈને 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.
ટી-20 ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમનો એક રનના માર્જિનથી આ ત્રીજો પરાજય છે. આ રીતે આ ટીમ સૌથી વધુ 3 મેચમાં એક રનના માર્જિનથી હારી ચૂકેલી પ્રથમ ટીમ બની ગઇ છે. તમને જણાવી દઇએ કે દક્ષિણ આફ્રિકાની ટીમ એક રનના માર્જીનથી સૌથી વધુ વખત મેચ જીતનારી ટીમ છે. આફ્રિકાની ટીમ અત્યાર સુધીમાં 4 ટી-20 મેચ એક રનના માર્જીનથી જીતી છે.