વર્લ્ડકપમાં પાકિસ્તાનની આ ઘાતક જોડી ટીમ ઇન્ડિયા પર પડશે ભારે…

ટી-20 વર્લ્ડકપ શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ભારત બે પ્રેક્ટિસ મેચ રમશે. જેમાં 18 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે જ્યારે 20 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ બંને પ્રેક્ટિસ મેચ દુબઈમાં રમશે.

પ્રેક્ટિસ મેચ સમાપ્ત થયા બાદ ભારત પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ પોતાની પ્રથમ મેચ રમી ટી-20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રૂપમાં હોવાથી દર્શકોને આ બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો જોવા મળશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ખાતે રમાશે. તમને જણાવી દઈએ કે, ભારત અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર્યું નથી. પરંતુ આ વર્ષે પાકિસ્તાનની ટીમ ભારતને હરાવવાના ઈરાદેથી સંપૂર્ણ તૈયારી સાથે મેદાને ઉતરશે.

આ બંને ટીમો વચ્ચેની મેચ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે. કારણ કે આ બંને દેશોની ટીમ માત્ર આઈસીસી ઈવેન્ટમાં જ ટકરાતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મેચની તમામ ટિકિટો માત્ર એક જ કલાકમાં વેચાઈ ગઈ હતી.

આ વર્ષે પાકિસ્તાનની આ એક જોડી ટીમ ઇન્ડિયા પર ભારે પડી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડી સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આ બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે.

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 13 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં આ જોડીએ 57 ની સરેરાશથી 736 રન બનાવ્યા છે. આમાં 3 સદી અને 2 અડધી સદીની ભાગીદારી સામેલ છે. આવામાં આ જોડી ટી-20 વર્લ્ડકપમાં ભારત માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *