રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે તો આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…
તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. અચાનક રાજીનામું આપતા ભારતીય મેનેજમેન્ટ ટીમ કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે. ઘણા ખેલાડીઓ આ પદ માટે દાવેદાર છે પરંતુ કોને કેપ્ટન બનાવશે તે જાણવું અગત્યનું છે.
સપ્ટેમ્બર 2021માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ વનડે ટીમના કેપ્ટન પદેથી કોહલીને હટાવવામાં આવ્યો હતો. આ બંને ફોર્મેટમાં નવા કેપ્ટન તરીકે રોહિત શર્મા ની પસંદગી કરવામાં આવી હતી. આ વર્ષે ભારતીય ટીમમાં કેપ્ટન પદને લઈને ઘણી ખળભળાટ મચી ગઇ છે.
ભારતીય ટીમના ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન તરીકે ઘણા ખેલાડીઓ દાવેદાર ગણાય છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ અને અનુભવી ખેલાડીઓ મોટા દાવેદાર છે. પરંતુ સૌથી વધારે રોહિત શર્માને દાવેદાર ગણવામાં આવે છે. તાજેતરમાં જ અન્ય ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે તો તે ટીમમાં કેટલાક ફેરફાર થઇ શકે છે.
વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં સુર્યકુમાર યાદવની સતત અવગણના કરવામાં આવતી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની ટેસ્ટ મેચમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહીં. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે રાહુલની જગ્યાએ તેનો સમાવેશ કર્યો હતો પરંતુ તેમાં પણ તક આપવામાં આવી નહીં. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડીને તક મળી શકે છે.
વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને તક મળતી હતી. પરંતુ યાદવને એક પણ તક આપવામાં આવી નહીં. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે, જેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યો છે. યાદવે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ ઘણા રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની સિરીઝમાં યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
સૂર્યકુમાર યાદવની ગણતરી રોહિત શર્માના ફેવરિટ ખેલાડીઓમાં થાય છે. આઇપીએલમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કરીને બધાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. જેના કારણે ગયા વર્ષે તેણે વનડે અને ટી 20માં ડેબ્યું કર્યું હતું. જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. આ ઘાતક ખેલાડીને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં તક મળી શકે છે.