હું હોત તો આ ખેલાડી બે વર્ષ પહેલાં જ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો હોત… – સંજય માંજરેકર

ભારતીય ટીમ હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ અને વન-ડે સિરીઝ હારીને ભારત પરત ફરી છે તેવામાં 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આફ્રિકા પ્રવાસની વાત કરીએ તો ભારતીય ટીમના તમામ ખેલાડીઓના પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 113 રને જીતવામાં સફળ રહી હતી. પરંતુ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયો હતો. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને તેના અનુભવના આધારે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે બંને ખેલાડીઓ સતત નિષ્ફળ સાબિત થયા હતા. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ ગુમાવ્યા બાદ આ બંને ખેલાડીઓ પર અનેક સવાલો ઉઠયા હતા. ખાસ કરીને અજિંક્ય રહાણે પર ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓએ ટિપ્પણી કરી હતી. અજિંક્ય રહાણે પર ટિપ્પણી કરતા સંજય માંજરેકર કહ્યું કે જો હું પસંદગીકાર હોત તો રહાણે બે વર્ષ પહેલા મારા પ્લાનમાંથી બહાર થઇ ગયો હોત.

સંજય માંજરેકરે વધુમાં કહ્યું કે તમે જોઇ શકો છો કે રહાણે હાલ કેવી બેટિંગ કરી રહ્યો છે અને કઇ રીતે આઉટ થઇ રહ્યો છે. આ તમામ બાબતો ખેલાડીઓની રમત વિશે સંકેત આપે છે. ઉદાહરણ તરીકે વિરાટ કોહલી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. પરંતુ તે હજુ સુધી મેદાન પર સારો દેખાવ કરી રહ્યો છે. તેથી મારા મતે રહાણેની ટેસ્ટ કારકિર્દી સમાપ્ત થઇ ગઇ છે.

સંજય માંજરેકરે પુજારા વિશે કહ્યું કે તે મામલો અલગ જ છે. તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. પુજારા 100 ટેસ્ટ મેચ રમવાની ખૂબ નજીક છે. તેથી તેને આઉટ કરવા માટે પસંદગીકારોએ ઘણું વિચારવું પડશે. મારા મત મુજબ અજિંક્ય રહાણે કરતાં પુજારા માટે વધુ સમય છે. પુજારા જે રીતે બેટિંગ કરે છે તેને જોઇને એવું લાગે છે કે અન્ય કોઇ કારણ નથી. મને લાગે છે કે પુજારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *