ICCએ જાહેર કરી વિશ્વની શ્રેષ્ઠ ટી-20 પ્લેઇંગ ઇલેવન, જાણો કોને મળ્યું સ્થાન…

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વર્ષ 2021ની શ્રેષ્ઠ ટી 20 પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં એક પછી એક સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ટી 20 ફોર્મેટ વિશ્વમાં તમામ દેશોમાં ખૂબ જ આકર્ષિત પ્લેટફોર્મ બની ગયું છે. ટૂંકા ફોર્મેટમાં ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાની ટીમમાં સ્થાન નિશ્ચિત કરે છે.

આઇસીસીએ તાજેતરમાં વિશ્વની શ્રેષ્ઠ વર્લ્ડ ઇલેવન જાહેર કરી છે. તેમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી જોસ બટલર અને પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓએ વર્ષ 2021 દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ બંને ખેલાડીઓ હાલમાં વિશ્વના સૌથી ઘાતક ઓપનર ખેલાડીઓ ગણાય છે.

પાકિસ્તાની ખેલાડી બાબર આઝમને નંબર ત્રણ પર સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્લેઇંગ ઇલેવનની કપ્તાની બાબર આઝમને આપવામાં આવી છે. સાઉથ આફ્રિકન ખેલાડી એડન માર્કરામને આ પ્લેઇંગ ઇલેવનમાં નંબર ચાર પર સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડી મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળી શકે છે.

આઇસીસીએ જાહેર કરેલી શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શને નંબર પાંચ પર સ્થાન આપવામાં આવ્યું છે અને ડેવિડ મિલરને નંબર છ પર સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ બેસ્ટ ફિનીશર્સ તરીકે જાણીતા છે. સાઉથ આફ્રિકાના સ્પિનર તબરેઝ શમ્સીને નંબર સાત પર સામેલ કરવામાં આવ્યો છે.

ફાસ્ટ બોલરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ખેલાડી જોશ હેઝલવુડને નંબર આઠ પર સ્થાન મળ્યું છે. આ ઉપરાંત શ્રીલંકાના સ્પિનર વાનીંદુ હસરંગાને નંબર નવ પર સ્થાન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન અને પાકિસ્તાનના શાહિન આફ્રિદીને ફાસ્ટ બોલર તરીકે સ્થાન આપ્યું છે. આ બંને ખેલાડીઓ હાલમાં વિશ્વના સૌથી ઘાતક ફાસ્ટ બોલર તરીકે જાણીતા છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનમાં એક પણ ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. વર્ષ 2021 દરમિયાન રમાયેલ ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. રોહિત શર્માએ વર્ષ 2021માં ટી 20 ઇન્ટરનેશનલમાં 434 રન બનાવ્યા હતા. તેમ છતાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *