હું રોહિત શર્માની કેપ્ટનશીપમાં સારો દેખાવ કરીશ, જાણો કોણે કહ્યું આવું…
આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 બાદ ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે ટીમમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. આ ઉપરાંત ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. રાહુલ અને રોહિતની જોડીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી જ ટી 20 સિરીઝમાં કમાલ કરી બતાવ્યો હતો.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ 3-0 થી જીતી લીધી હતી. આ સિરીઝમાં યુવા ખેલાડીઓનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું. જે બાદ ભારતીય ટીમના અનુભવી સ્પિનર યુજવેન્દ્ર ચહલની પ્રતિક્રિયાઓ સામે આવી છે.
ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિનર યુજવેન્દ્ર ચહલને યુએઇમાં આયોજિત ટી 20 વર્લ્ડકપ 2021માં નજર અંદાજ કરવામાં આવ્યો હતો. યુજવેન્દ્ર ચહલની કારકિર્દી હવે ખતરામાં મુકાઇ ગઇ છે. લાંબા સમય સુધી ટી 20માં ભારત માટે સારું પ્રદર્શન કરવા છતાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જે બાદ તે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યો નથી.
ટી 20 વર્લ્ડકપ 2021માં પસંદગી ન થયા બાદ આઇપીએલ ફ્રેન્ચાઈઝી આરસીબીએ પણ તેને જાળવી રાખવાને બદલે છોડવાનો નિર્ણય કર્યો હતો. યુજવેન્દ્ર ચહલે ગયા મહિને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝમાં વાપસી કરી હતી. તમને જણાવી દઇએ કે હવે ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે. તેથી ચહલે કહ્યું કે, તે રોહિત શર્માની કેપ્ટનશીપમાં સારો દેખાવ કરવા માટે બેતાબ છે.
ચહલે વધુમાં કહ્યું કે, ‘મેં વિરાટ ભાઇની કેપ્ટનશીપ હેઠળ સારું પ્રદર્શન કર્યું છે અને મને આશા છે કે હું રોહિત ભાઇની કેપ્ટનશીપ હેઠળ ટી 20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ. રાહુલ દ્રવિડ જ્યારે ઇન્ડિયા Aના કોચ હતા ત્યારે હું તે ટીમનો એક ભાગ હતો. તે એક મહાન કોચ છે. પારસ મ્હામ્બરે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ છે. મેં તેની સાથે મારી બોલિંગ અંગે ચર્ચા કરી હતી. તેની સાથે વાતચીત કરી મને ચોક્કસપણે ફાયદો થશે.
તમને જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડ કપ 2021માં ભારતને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે કામરી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાને પહેલી બંને મેચોમાં હાર મળ્યા બાદ બહાર થવું પડ્યું હતું. પરંતુ ભારતીય ટીમ હવે ફરી એક વખત પોતાની લયમાં જોવા મળી રહી છે.