ક્રિકેટના રસિયાઓ માટે ખુશખબર, ટી-20 વર્લ્ડ કપમાં આ તારીખે ટકરાશે ભારત અને પાકિસ્તાન…
આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021નું આયોજન 17 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમિયાન થવાનું છે. તે પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ જાહેર થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન માત્ર આઈસીસી ઇવેન્ટમાં જ સામે સામે આવે છે. જેના કારણે દર્શકો આ મેચને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે.
ભારતમાં કોવિડ -19 ની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનું અનુમાન છે. ટી-20 વર્લ્ડકપ પણ તે જ સમયે રમાવાનો છે. આવી સ્થિતિમાં ભારતમાં આ મોટા ઇવેન્ટનું આયોજન કરવું જોખમી માનવામાં આવતું હતું.
ટી-20 વર્લ્ડકપ 2021નું આયોજન ભારતમાં થવાનું હતું. પરંતુ થોડા મહિના પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝનના મધ્યમાં સ્થગિત થવાથી બોર્ડને સ્થળ બદલવાની ફરજ પડી હતી. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ વર્ષે યુએઈમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપ 2021માં કુલ 16 ટીમો મેદાને ઉતરશે.
મળતી માહિતી મુજબ, આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021નું શિડ્યૂલ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા ચાહકોને આકર્ષે છે અને ઉત્તેજિત કરે છે.
ક્રિકેટ ક્ષેત્રના કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સામ-સામે હશે. ગયા મહિને, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આ ટુર્નામેન્ટ માટે જૂથોની જાહેરાત કરી હતી.
ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે, જ્યાં આઠ ટીમો અગાઉથી ક્વોલિફાય કરવા માટે રમશે, જ્યારે ચાર ટીમો ક્વોલિફાયર માટે જોડાશે. મુખ્ય રાઉન્ડ બનાવવા માટે આઠ ટીમો છે. જેમાં ગ્રૂપ-Aમાં શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામ્બિયા રહેશે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાન રહેશે.
સુપર 12ની વાત કરીએ તો ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1, B2 રહેશે. જ્યારે ગ્રુપ-Bમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2, B1 રહેશે.