અમ્પાયરે નો-બોલ ન આપતા સુનિલ ગાવસ્કર ભડક્યો, કહ્યું કે…

આઇપીએલ 2021 માં સોમવારે એટલે કે 4 ઓક્ટોબરના રોજ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં અમ્પાયરના નબળા ધોરણને લઇને સુનિલ ગાવસ્કરે ટીકા કરી હતી.

તમને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન અમ્પાયર અનિલ ચૌધરીએ નો-બોલ નિર્ણયને વાઈડમાં બદલ્યા બાદ સુનિલ ગાવસ્કરની ટિપ્પણી સામે આવી હતી. ડ્વેન બ્રાવોનો આ બોલ પિચની બહાર જઈ રહ્યો હતો. તેમ છતાં અમ્પાયરે નો-બોલ ન આપતા સુનિલ ગાવસ્કર ભડક્યો હતો.

ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, તે સ્પષ્ટપણે નો-બોલ હતો. તેમ છતાં પણ અમ્પાયરે તેને વાઈડમાં બદલ્યો હતો. અમે ટીવી અમ્પાયરો દ્વારા એવા કેટલાક નિર્ણયો પણ જોયા છે, જે આ સંજોગોમાં જીત અને હાર વચ્ચે તફાવત કરી શકે છે, જે ન થવું જોઈએ. તેમણે કહ્યું કે, આ સત્રમાં પણ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા છે.

બીજી બાજુ, હર્ષ ભોગલેએ અમ્પાયરના તે નિર્ણય વિશે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, ફિલ્ડ અમ્પાયર દ્વારા લેવામાં આવેલો નિર્ણય નિયમો હેઠળ છે. ભોગલેએ કહ્યું કે, તેણે આ અંગે અમ્પાયર સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ ભોગલેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મેં આ બાબતોને સ્પષ્ટ કરવા માટે એક મોટા અમ્પાયર સાથે વાત કરી. હકીકતમાં ગઇકાલે વાઇડનો નિર્ણય યોગ્ય હતો. કારણ કે બોલ સ્ટમ્પ સુધી પહોંચતા પહેલા પડ્યો ન હતો. તેથી તે નો-બોલ કહી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે, દિલ્હી અને ચેન્નઈની મેચ દરમિયાન 20 મી ઓવરમાં બોલિંગ કરવા માટે બ્રાવો આવ્યો હતો. તેણે 20 મી ઓવરનો બીજો બોલ પિચની બહાર ફેંકી દીધો હતો, જેના પર દિલ્હીના બેટ્સમેનોએ એક રન લીધો હતો.

અમ્પાયરે પહેલા તો આ બોલને નો-બોલ આપ્યો હતો પરંતુ તરત જ તેણે આ બોલને વાઈડમાં ફેરવી નાખ્યો હતો. આ પછી, ગાવસ્કરે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, અમ્પાયરે આ બોલને નો-બોલ આપવો જોઈતો હતો. તેમણે કહ્યું કે, આવા નિર્ણય જીત અને હાર વચ્ચેનો તફાવત બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *