ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ પ્રેક્ટિસ મેચ થઈ રદ્દ, જાણો હવે કઈ ટીમ સામે થશે ટક્કર…

આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021 શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા ટીમ ઇન્ડિયા બે પ્રેક્ટિસ મેચ રમાવાની હતી. જેમાં ટીમ ઇન્ડિયાને 18 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ સામે જ્યારે 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમાવાની હતી.

મળતી માહિતી મુજબ, ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચના શિડ્યૂલમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ પ્રેક્ટિસ મેચ રદ્દ કરી દેવામાં આવી છે. તેના સ્થાને 18 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ રમશે.

હવે ટીમ ઇન્ડિયા 18 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે 20 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 વાગ્યે દક્ષિણ આફ્રિકા સામે પ્રેક્ટિસ મેચ રમશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

આ ઉપરાંત પ્રેક્ટિસ મેચના વેન્યૂમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની અભ્યાસ મેચ દુબઈમાં આઈસીસી એકેડમી ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા આ બંને મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી.

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ હવે 18 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે મેચ રમશે. જે ટોલરેંસ ઓવલમાં રમશે, અને ઈંગ્લેન્ડ પોતાની બીજી પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. જે 20 ઓક્ટોબરના રોજ અબુધાબીમાં રમાશે.

આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી દર્શકોને આ બંને દેશો વચ્ચેની જબરદસ્ત મેચ જોવા મળશે. જે 24 ઓકટોબરના રોજ દુબઈમાં રમાશે. ટી-20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. ટી-20 વર્લ્ડકપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *