આ વિસ્ફોટક ખેલાડી ઇજાના કારણે મેદાનમાં ન ઉતરતા ભારતીય ટીમનું ટેન્શન વધ્યું…
ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝની ત્રણેય મેચ ભારતે જીતી હતી. ત્યારબાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગયા બાદ હવે મુંબઇના વાનખેડે ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ઘણા ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં મજબૂત પકડ જમાવી છે.
બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે કોઇ પણ નુકસાન વગર 69 રન બનાવ્યા છે. હવે ભારતની લીડ 332 રન થઇ ગઇ છે. હજુ ભારતના હાથમાં દસ વિકેટ છે. ભારત માટે બીજી ટેસ્ટ મેચ ખૂબ જ અગત્યની છે કેમકે પહેલી ટેસ્ટ મેચ ડ્રો ગઇ હતી. ચેમ્પિયન બનવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારત બીજી ટેસ્ટમાં વિજય મેળવશે તો ભારત ટેસ્ટ સીરીઝ પણ જીતી જશે.
બીજી ઇનિંગની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારા મયંક અગ્રવાલની સાથે ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે આવ્યો નહોતો. ફિલ્ડીંગ દરમિયાન શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો હતો. શુભમન ગિલને પહેલી ઇનિંગમાં ફિલ્ડીંગ કરતી વખતે જમણી કોણીમાં ઇજા થઇ હતી. સાવચેતીના ભાગરૂપે તે મેદાનમાં બેટિંગ કરવા માટે નહોતો આવ્યો.
ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં 19મી ઓવરમાં ટોમ બ્લંડેલે જયંત યાદવના બોલ પર શોટ ફટકાર્યો હતો. તે બોલ શુભમન ગિલની કોણી પર લાગ્યો હતો. ત્યારબાદ ફિઝિયો દ્વારા તેને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો. તેના સ્થાને સૂર્ય કુમાર યાદવ ફિલ્ડીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ખૂબ જ સારા ફોર્મમાં હોવા છતાં ઇજાના કારણે ગિલ મેદાનમાં ઉતરી શક્યો ન હતો.
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં અન્ય ત્રણ ખેલાડીઓ પણ ઇજાના કારણે બહાર થઇ ગયા હતા. રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે અને ઇશાંત શર્મા અનફિટ હોવાને કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયા હતા. પહેલી ટેસ્ટ મેચમાં એક વિકેટ ન લેવાને કારણે મેચ ડ્રો ગઇ હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં ભારતે પહેલેથી જ મજબૂત પકડ બનાવી લીધી છે.
બીજી ઇનિંગમાં શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે ન આવતા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે તે ઇજાને કારણે બેટિંગ કરવા માટે આવ્યા ન હતો. બીજા દિવસના અંત સુધીમાં ભારતના ઓપનર વિકેટ ટકાવવામાં સફળ રહ્યા છે.