શું કોહલી રોહિતની કેપ્ટનશીપ હેઠળ રમવા નથી માગતો? જાણો શું છે સમગ્ર મામલો…
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા સામેનો પ્રવાસ ઓમિક્રોન વાયરસના કારણે પાછળ ધકેલાયો છે. 19 જાન્યુઆરીથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સીરીઝનો પ્રારંભ થશે. સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. સાઉથ આફ્રિકા સામે ભારત 4 ટી-20 મેચો રમવાની હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના કારણે ટી-20 સિરીઝ રદ કરવામાં આવી છે.
તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી હટાવી દીધો છે. ત્યારબાદ અનેક વાદ વિવાદો સામે આવ્યા છે. અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી બીસીસીઆઇના આ નિર્ણયથી નારાજ છે અને તે સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝમાંથી બહાર ખસી ગયો છે. વિરાટ કોહલીએ પોતાને અનઅવેલેબલ ગણાવ્યો છે.
વિરાટ કોહલી પોતાની પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસ માટે સમય કાઢી રહ્યો છે. વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2020 ના રોજ થયો હતો. તેથી તે આ વર્ષે જન્મદિવસ પર વેકેશન પર જવાનો પ્લાન બનાવી રહ્યો છે. 26 ડિસેમ્બરના રોજ ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થશે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે.
ગયા મહિને વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં અને પ્રથમ ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. મુંબઇ ટેસ્ટમાં વિરાટ કોહલી પરત ફરતાની સાથે જ ભારતે શાનદાર જીત મેળવી હતી. વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે તેની કેપ્ટન તરીકેની છેલ્લી મેચ હતી. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 10 વન-ડે મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતે એશિયા કપ પણ જીત્યો છે.
વિરાટ કોહલી પાસેથી વન-ડે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવીને રોહિતશર્માને સોંપવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આરામ લેવા જઇ રહ્યો છે. વિરાટ કોહલીનો આ નિર્ણય ચોકાવનારો છે કેમકે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તેણે આરામ લીધો હતો. આવી સ્થિતિમાં એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમવા નથી માગતો.
તાજેતરમાં જ રોહિત શર્મા હાથની ઇજાને કારણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થયો છે. તે ગંભીર ઇજાને કારણે ત્રણેય ટેસ્ટ મેચ રમી શકશે નહીં. બીસીસીઆઇ માટે અત્યારે મોટો પડકાર એ છે કે જો રોહિત શર્મા લાંબા સમય સુધી બહાર રહેશે તો વન-ડે સીરીઝમાં કેપ્ટન તરીકેની જવાબદારી કોણ સંભાળશે. રોહિત શર્મા બહાર થયા પછી બીસીસીઆઇએ હજુ સુધી ટેસ્ટ સિરીઝ માટે વાઇસ કેપ્ટનની જાહેરાત કરી નથી.