આ ભારતીય ખેલાડી માટે ‘કરો યા મરો’ની સ્થિતિ! કરિયર બચાવવા માટે મહત્ત્વની તક…

ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. જેમાં બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ભારતીય ટીમને માત આપીને સિરીઝને એક-એકથી બરાબર કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે કેપટાઉન ટેસ્ટમાં કોની જીત થશે.

કેપટાઉન ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે. આ બધાની વચ્ચે બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે અને કેટલાક અનુભવી ખેલાડીઓની પણ વાપસી થઇ છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા ભારતીય ખેલાડીઓએ વાપસી કરી છે. જેમાં સૌથી મોટું નામ શિખર ધવનનું છે. તે જ સમયે રવિચંદ્રન અશ્વિન પણ ચાર વર્ષ બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? કારણકે આ સિરીઝ માટે ઘણા બધા યુવા ખેલાડીઓને પણ પસંદ કરવામાં આવ્યા છે.

આ સિવાય યુજવેન્દ્ર ચહલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, વોશિંગ્ટન સુંદર, ઇશાન કિશન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, શાર્દુલ ઠાકોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી રહ્યા છે.

શિખર ધવન ઘણા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેના માટે આ સિરીઝ મહત્વની છે. જો તે આ સિરીઝમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેનું ક્રિકેટ કરિયર ખતરામાં મુકાઇ શકે છે. કારણ કે ભારતીય ટીમમાં હાલ ઘણા બધા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે.

શિખર ધવને ભારતીય ટીમ માટે 145 વનડે મેચ રમી છે. જેમાં તેણે 45.55ની એવરેજથી અને 93.79ની સ્ટ્રાઇક રેટથી 6105 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટેથી 17 સદી અને 33 અડધી સદી નીકળી છે આટલું જ નહીં આઇપીએલમાં પણ શિખર ધવન જબરદસ્ત પ્રદર્શન કરે છે. તેને આઇપીએલ 2021માં 16 મેચમાં 587 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *