4 વિકેટ લેવા છતાં પણ રોહિત શર્માએ પ્રસિદ્ધ કૃષ્ણાને નહીં પરંતુ આ ખેલાડીને આપ્યો જીતનો શ્રેય…
હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે 6 વિકેટે ભવ્ય જીત હાંસલ કરી હતી. આ ઉપરાંત બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે 44 રને વિજય મેળવીને આ સિરીઝમાં પણ જીત હાંસલ કરી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 237 રનનો સ્કોર કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ભારતીય ટીમે 193 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. આ સાથે જ ભારતીય ટીમ વિજેતા બની હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 9 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આવું પ્રદર્શન કરવા છતાં પણ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીતનો શ્રેય પ્રસિદ્ધ કૃષ્ણાને આપ્યો નહીં. તેણે આ શ્રેય આ ઘાતક ખેલાડીને આપ્યો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે શરૂઆતમાં જ ભારતીય ટીમે પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, રિષભ પંત અને વિરાટ કોહલી આઉટ થયા બાદ બેટિંગ કરવા ઉતરેલા કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે જોરદાર પાર્ટનરશીપ કરીને ભારતીય ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ભારતીય ટીમે જ્યારે ત્રણ વિકેટ ગુમાવી ત્યારે ટીમ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી. આવી સ્થિતિમાં સૂર્ય કુમાર યાદવે 64 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને એક સારો સ્કોર બનાવવા તરફ લઇ ગયો હતો. આ ઉપરાંત કેએલ રાહુલે પણ 49 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર સારી રીતે સંભાળ્યો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ જીતના સાચા હીરો આ બંને ખેલાડીઓ ગણાય છે. ટીમને જ્યારે જરૂરિયાત હતી ત્યારે આ બંને ખેલાડીઓએ સારી બેટીંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. દરેક ખેલાડી પાસે ભારતીય ટીમ આવી ઇનિંગ્સ ઇચ્છતી હોય છે.