આફ્રિકા પ્રવાસે અશ્વિન ફ્લોપ સાબિત થતા આ ઘાતક ખેલાડીની વાપસીની ઉઠી માંગ…
તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમને ત્રણેય વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આફ્રિકાની ટીમ 3-0થી આ સિરીઝ જીતી ચૂકી છે. આ પહેલા પણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમ હારી ચૂકી છે. આવી સ્થિતિમાં આફ્રિકાના પ્રવાસ ભારતીય ટીમ માટે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો છે.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરીના કારણે કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમને હાર મળવા માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય બેટ્સમેનો અને બોલરોના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમના સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં પોતાની કુશળતા દેખાડવામાં સતત નિષ્ફળ સાબિત થયો છે. વિદેશી પ્રવાસમાં તે પહેલેથી નિષ્ફળ સાબિત થતો આવ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને આ સ્પિનર ખેલાડીને લિમિટેડ ઓવેરની ટીમમાં પરત લાવવાની માંગ શરૂ થઇ ગઇ છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રવિચંદ્રન અશ્વિન ફ્લોપ જતા સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવને પાછા લાવવાની માંગ વધી રહી છે. કુલદીપ યાદવ ઇજાના કારણે આઇપીએલ 2021ના બીજા તબક્કામાંથી બહાર થયો હતો. તેણે સપ્ટેમ્બરમાં ઘુટણની સર્જરી કરાવી હતી અને હાલમાં તે બેંગલોર ખાતે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્વસ્થ થવાના માર્ગે છે.
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તેને 2019માં વિદેશ પ્રવાસમાં ભારતના નંબર 1 સ્પિનર તરીકે સ્થાન આપ્યું હતું. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે 65 મેચોની વન-ડે કારકિર્દીમાં 107 વિકેટ લીધી છે. ખરાબ પ્રદર્શન અને ઇજાને કારણે બહાર થયા બાદ આ ખેલાડીની વાપસી મુશ્કેલ લાગી રહી હતી. પરંતુ ફરીથી આ ખેલાડીની વાપસીની માંગ ઉઠી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘કુલદીપ બેક’ ટ્રેન્ડ થવા લાગ્યો છે. એક યુસર્સે લખ્યું હતું કે શું તમે કુલદીપ યાદવને મિસ કરી રહ્યા છો? ત્યારે અન્ય યુઝર્સે કહ્યું કે ભારતીય ટીમને મિડલ ઓવરમાં તેની ખોટ વર્તાઇ રહી છે. સોશિયલ મીડિયા પર હાલ તેની વાપસીની માંગ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થઇ શકે છે.