પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેયિંગ ઈલેવન નકકી, જાણો કયા ખેલાડીને મળશે સ્થાન

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રવાના થઇ છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત આજે બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થશે. ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી ખૂબ જરૂરી છે કેમ કે આ પહેલા ભારત એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકા ધરતી પર જીત્યુ નથી. બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલા ભારતના દિગ્ગજ ખેલાડીઓ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર થયા છે. ભારતીય ટીમમાં અન્ય ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ક્યા પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરે તે મહત્વનું છે.

સૌપ્રથમ પ્રથમ ટેસ્ટ માટે ઓપનિંગની વાત કરીએ તો રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાથી તેના સ્થાને કેએલ રાહુલની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે. મયંકે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી અને તે ખુબ જ આક્રમક બેટિંગ કરે છે. તાજેતરના સમયમાં તે જોરદાર ફોર્મમાં છે. ત્યાર બાદ ત્રીજા નંબર પર ચેતેશ્વર પૂજારાને તક આપવામાં આવી શકે છે કારણ કે પુજારા પણ મોટી ઇનિંગ્સ રમી શકે છે.

કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર ઊતરશે તે નિશ્ચિત છે. તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં કરવામાં આવે છે. પાંચમાં નંબર માટે ઘણા દાવેદારોમાં મેદાનમાં છે. ભારતના ભૂતપૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર બંને સારા બેટ્સમેન છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી લયમાં જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરને સ્થાન મળી શકે છે.

ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત નંબર 6 પર ઉતરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. લાંબી સિક્સર મારવા માટે આ ખેલાડી જાણીતો છે. દક્ષિણ આફ્રિકાની પીચ માટે ઝડપી બોલર હંમેશા મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિન અને ચાર ફાસ્ટ બોલરો સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ માટે રવિચંદ્રન અશ્વિન પહેલેથી સફળ સાબિત થતો આવ્યો છે.

શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી આ ચાર ફાસ્ટ બોલરો સાથે ભારતીય ટીમ જોવા મળશે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇશાંત શર્મા અને અજિંક્ય રહાણેને તેના ખરાબ પ્રદર્શનના કારણે ટીમમાંથી બહાર રાખી શકે છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતીને રેકોર્ડ નોંધાવવાની તક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *