રોહિત શર્માને લઇ મોટા સમાચાર, આ સિરીઝમાં વાપસી કરશે ‘હિટમેન’…

ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. જ્યાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને 2-1 હારનો સામનો કરવો પડયો હતો. હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ મેચની વન-ડે સિરીઝ શરૂ થવા જઇ રહી છે.

આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ મુંબઇ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા તે આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો હતો. તેથી હવે તેના સ્થાને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરતો નજરે આવશે.

આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્માના ડાબા હાથની હેમસ્ટિંગમાં તણાવ આવી ગયો હતો અને તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. પરંતુ હવે સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે તે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાંથી પણ બહાર થઇ ગયો છે.

સૂત્રો અનુસાર રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સ્વસ્થ થઇને પરત ફરી શકે છે. અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 6 ફેબ્રુઆરીના રોજ રમાનાર પ્રથમ વન-ડે મેચમાં હજુ ત્રણ સપ્તાહ બાકી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ત્રણ વન-ડે અને આટલી જ ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમાશે.

વેસ્ટ ઇન્ડીઝ સામે 6 થી 12 ફેબ્રુઆરી દરમિયાન વન-ડે મેચો રમાશે. જ્યારે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. તમને જણાવી દઇએ કે રોહિત શર્મા લાંબા સમયથી હેમસ્ટિંગની સમસ્યાથી પરેશાન છે. તે જ કારણે 2020-21 ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મર્યાદિત ઓવરોની સિરીઝ પછી તેને પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

BCCIની વર્તમાન નીતિ પ્રમાણે દરેક ખેલાડીએ પરત ફરવા માટે NCAમાં ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાવીને ‘ફીટ ટુ પ્લે’ પ્રમાણપત્ર મેળવવું પડશે. ત્યારબાદ જ કોઇ પણ ખેલાડી પરત ફરી શકશે. તમને જણાવી દઇએ કે આ પ્રક્રિયા પછી જ પસંદગી સમિતિને ખેલાડીની ઉપલબ્ધતા વિશે જાણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *