રવિ શાસ્ત્રીએ આપ્યા મોટા સંકેત, ટી-20ની કેપ્ટનશિપ બાદ કોહલી હવે જલ્દી છોડશે આ પદ…

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થાય તેવું અનુમાન પહેલેથી જ લગાવવામાં આવી રહ્યું હતું કારણકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઇ રહ્યો હતો અને વિરાટ કોહલીએ તો પહેલેથી જાહેરાત કરી દીધી હતી કે તે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ટી 20 સિરીઝ શરૂ થવા જઇ રહી છે. જે પહેલા બીસીસીઆઇએ ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરી છે અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી બાદ રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને પોતાની જવાબદારીઓ નિભાવવામાં કેટલા સફળ રહેશે.

વિરાટ કોહલીએ વર્કલોડના કારણે ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી છે. જે બાદ તેણે આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ટી 20માં કેપ્ટનશિપ છોડવા છતાં પણ તેની ઉપર હજુ પણ વધુ વર્કલોડ છે.

વર્ક લોડના વધુ સારા સંચાલન માટે અન્ય ફોર્મેટમાંથી પણ વિરાટ કોહલી નેતૃત્વની જવાબદારી છોડી શકે છે. ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કોરોના સંબંધિત દબાણનો સામનો કરવા માટે વિરાટ કોહલી ટી 20 ઇન્ટરનેશનલ બાદ હવે વનડે અને ટેસ્ટમાંથી કેપ્ટનશિપ છોડી શકે છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારત છેલ્લા પાંચ વર્ષથી ટોચ પર છે. જ્યાં સુધી તે માનસિક રીતે થાકી ન જાય ત્યાં સુધી તે પોતાની જવાબદારીઓ છોડવા માંગતો નથી. જોકે તે નજીકના ભવિષ્યમાં પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડી શકે છે.

રવિ શાસ્ત્રી વધુમાં કહ્યું કે તે જલદી થશે નહીં પરંતુ જ્યાં સુધી વિરાટ કોહલી પોતાની જવાબદારી નિભાવી શકશે ત્યાં સુધી તે છોડશે નહીં. કોહલી હજુ પણ ચારથી પાંચ વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે. તેની ફિટનેસ જબરદસ્ત છે. તેથી તે ટેસ્ટ ક્રિકેટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *