BCCIનો ચોંકાવનારો નિર્ણય, પાકિસ્તાન સામેની મેચ પહેલા આ 4 ખેલાડીઓને ભારત પરત બોલાવી લીધા…
આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021માં સુપર 12ની મેચો આજથી શરૂ થવા જઇ રહી છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પહેલા ભારતીય ટીમ દુબઇમાં જ જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે.
પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ભારતીય ટીમના દરેક ખેલાડીઓનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું. આ બંને મેચો ભારતે આસાનીથી જીતી લીધી હતી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 7 વિકેટે અને ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.
ટી 20 વર્લ્ડકપની તૈયારીઓના સંદર્ભમાં ભારતીય ટીમની સાથે કેટલાક નેટ બોલરોને દુબઇમાં રોકવામાં આવ્યા હતા. પરંતુ હવે આમાંથી 4 બોલરોને ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે. જો કે, આ પછી પણ, ભારતીય ટીમની સાથે 4 અન્ય બોલરો હશે, જે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને તૈયારીમાં મદદ કરશે.
આઇપીએલ 2021 સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ સાથે 8 નેટ બોલરોને યુએઇમાં જ રોકવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, હવે તેમાંથી ચાર બોલરોને ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે. જેમાં કરણ શર્મા, શાહબાઝ અહમદ, કૃષ્ણપ્પા ગૌતમ અને વેંકટેશ ઐયર ભારત પરત ફર્યા છે.
આ ચારેય ખેલાડીઓ ભારત પરત ફર્યા છે અને હવે આ ચારેય ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યો માટે ઉપલબ્ધ રહેશે. હાલ ભારતીય ટીમ સાથે નેટ બોલર તરીકે આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ અને લુકમન મેરીવાલા જોડાયેલા છે. આ ચારેય બોલરો ટુર્નામેન્ટના અંત સુધી ભારતીય ટીમ સાથે જોડાયેલા રહેશે.
ભારતીય ટીમ આવતીકાલે પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે. ટી 20 વર્લ્ડકપ 2021માં તમામ મેચો વચ્ચે માત્ર દિવસોનું જ અંતર છે. તેથી તૈયારીઓ માટે વધારે સમય નહીં મળે. આથી ભારતીય ટીમના 4 નેટ બોલરોને ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે.