ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર, આ કારણોસર વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ થઇ શકે છે રદ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીના રોજ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્માની પણ વાપસી થવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એક વખત કેપ્ટનશીપ કરતો નજરે આવશે. સાઉથ આફ્રિકા સામેની કારમી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા કોઇપણ હાલતમાં આ બંને સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ખેલાડી શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, નવદીપ સૈની જેવા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ ખેલાડીઓનો રિપોર્ટ મંગળવારના રોજ કરવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ ખેલાડીઓને વન-ડે સિરીઝમાંથી બહાર થઇ ગયા છે.
બીસીસીઆઇના એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ટીમની પ્રેક્ટિસ મેચો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 6 ફેબ્રુઆરીના રોજ રમાનારી પ્રથમ વન-ડે મેચ પણ રદ્દ કરવામાં આવી શકે છે. જો વધુ જણાશે તો સિરીઝ પણ મુલતવી રાખવામાં આવી શકે છે. આ સમાચાર સામે આવતા ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.
બીસીસીઆઇના આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં ટીમના અન્ય કોઇ ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ લંબાવવામાં આવી શકે છે. જે ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે તેઓને હોટલના બીજા માળે આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ 31 જાન્યુઆરીના રોજ અમદાવાદ પહોંચી હતી. આ સમયે કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા. મંગળવારના રોજ આ તમામ ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં ઘણા બધા ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.