વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમાવવાની છે. જેની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થવા જઇ રહી છે. તે પહેલા બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ આફ્રિકા સામે ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને ભૂલીને હવે ભારતીય ટીમ આગળ વધવા માગશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ભારતીય ટીમમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ દરમિયાન ટીમ ઇન્ડિયાના સીનિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય ટીમનો સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ઇજાના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલ હાજર રહેશે નહીં. આ સિવાય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને ઘૂંટણની ઇજા થઇ હતી અને હાલ તે રિકવરીના છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. જેના કારણે રવિન્દ્ર જાડેજા પણ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ રમી શકશે નહીં.

રોહિત શર્માની વાપસી સાથે જ કુલચાની જોડી ફરી એક વખત મેદાનમાં જોવા મળશે.આ ચાઇનામેન બોલરે આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ 20 જુલાઇ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી. ત્યાર બાદ હવે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ફરી એક વખત કુલચાનું કોમ્બિનેશન જોવા મળશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિપક હુડા, રિષભ પંત, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા અને આવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિપક હુડા, રિષભ પંત, વેંકટેશ ઐયર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, હર્ષદ પટેલ અને આવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *