મેગા ઓક્શનની તારીખ જાહેર, જાણો ક્યાં અને ક્યારે યોજાશે ઓક્શન…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા ઓક્શન પહેલા જુની આઠ ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.

કોરોના વાયરસના કારણે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ વર્ષે આઇપીએલ ભારતમાં જ થશે તેવું નક્કી થયું છે. આ વર્ષે આઇપીએલમાં અમદાવાદ અને લખનઉ બંને ટીમો નવી આવેલી હોવાથી બંને ટીમોને ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરવા માટે ક્રિસમસ સુધીનો સમય રહેશે. આ ઉપરાંત CVCનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. આવી સ્થિતિમાં બીસીસીઆઇ સમયમાં વધારો કરી શકે છે.

મોટાભાગની ટીમોનું એવું માનવું છે કે દર ત્રણ વર્ષે હરાજી થવાથી ટીમનું કોમ્બિનેશન મળી જાય છે. દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદેલે એવું કહ્યું હતું કે ખેલાડીઓ સેટ થયા પછી તેને ટીમમાંથી કાઢવા મુશ્કેલ છે. આટલી મહેનત કર્યા પછી પણ ખેલાડીઓ ટીમમાં રહેતા નથી. આવી સ્થિતિમાં આ મેગા ઓક્શન છેલ્લું હોઇ શકે છે.

ક્રિકેટ ચાહકો ઘણા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તેનો અંત આવી ચૂક્યો છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મેગા ઓક્શન 7 કે 8 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં થશે. આ મેગા ઓક્શન છેલ્લું હોઇ શકે છે કેમ કે તમામ ટીમો તેને બંધ કરવા ઇચ્છે છે. મેગા ઓક્શનનું આયોજન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થવાનું હતું પરંતુ સીવીસીનો નિર્ણય આવવાનો બાકી છે.

બીસીસીઆઇ દ્વારા મેગા ઓક્શનની તૈયારીઓ તડામાર કરવામાં આવી રહી છે. અહેવાલો એવા આવ્યા હતા કે મેગા ઓક્શન યુએઇમાં યોજાશે પરંતુ હાલમાં એવું કોઇ આયોજન નથી. દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ખેલાડીઓની પસંદગી આઇપીએલમાં થતી હોય છે અને આ ખેલાડીઓ આઇપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં કરિયર બનાવે છે.

વિદેશી ખેલાડીઓ પણ આઇપીએલમાં પોતાનું હુન્નર બતાવે છે. ઘણા ખેલાડીઓ આઇપીએલમાંથી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચુક્યા છે. આઇપીએલ 2021માં કોરોનાના કારણે બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 10 ટીમો આઇપીએલમાં નવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *