વોર્નરની સાથે આ બે ગુજરાતી ખેલાડીઓ પણ અમદાવાદની ટીમ સાથે જોડાશે…
આઈપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ લીગમાં ભાગ લેશે. મેગા ઓક્શન પહેલા જુની આઠ ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. નિયમ અનુસાર દરેક ટીમો વધુમાં વધુ ૪ ખેલાડીઓને રીટેન કરી શકે છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.
આઈપીએલ પહેલા જાન્યુઆરી 2022માં મેગા ઓક્શન યોજાશે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણુ રસપ્રદ રહેશે. તમામ ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમની પસંદગી નવેસરથી કરશે. દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી નવા સીતારાઓ આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાનું કરિયર બનાવતા હોય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત વિદેશી ખેલાડીઓ પણ પોતાનું હુન્નર બતાવે છે.
તમામ ટીમોએ પોતાના ખેલાડીઓને રિટેન કર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેણે ડેવિડ વોર્નરને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તેના સતત ખરાબ પ્રદર્શનના કારણે આઈપીએલ 2021માં તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. ત્યારબાદ કેન વિલિયમ્સનને કેપ્ટન બનાવ્યો હતો. ડેવિડ વોર્નર સાથે અન્યાય થયા બાદ તેણે હૈદરાબાદની ટીમને છોડવાનો નિર્ણય કર્યો હતો.
હૈદરાબાદની ટીમમાંથી બહાર થયા બાદ હવે વોર્નરને અમદાવાદની ટીમ ખરીદી શકે છે. વોર્નર અમદાવાદની ટીમનો કેપ્ટન પણ બની શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા આ બે ભાઈઓના નામ નથી. આઈપીએલ 2021માં આ બંનેનું પ્રદર્શન સતત નિરાશાજનક રહ્યું હતું.
હાર્દિકે આઈપીએલ 2021ની સિઝનમાં ફક્ત 12 મેચો રમી હતી અને 127 રન બનાવ્યા હતા અને એક પણ બોલ ફેંક્યો નહોતો. આ ઉપરાંત કુણાલે 13 મેચો રમીને 143 રન બનાવ્યા હતા અને સિઝન દરમિયાન પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આવા ખરાબ પ્રદર્શનના કારણે આ બંને ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા રિટેન કરવામાં આવ્યા નથી.
આ વર્ષે આઈપીએલમાં ભાગ લેનારી અમદાવાદની ટીમ આ બંને ખેલાડીઓને મેગા ઓક્શનમાં ખરીદી શકે છે. અમદાવાદ ટીમ માટે હાર્દિક અને કૃણાલ ફિનીશર્સ તરીકે સફળ સાબિત થઈ શકે છે. હાર્દિક અને કુણાલ આ બંને ભાઈઓ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ કુશળતા ધરાવે છે. જો બંને ખેલાડીઓ અમદાવાદની ટીમ સાથે જોડાશે તો ટીમના પ્રશંસકોમાં પણ વધારો થશે.