હાર્દિક સહિત આ ત્રણ ઘાતક ખેલાડીઓને અમદાવાદની ટીમે કર્યા રિટેન…

આઇપીએલની 15મી સીઝન માર્ચ-એપ્રિલમાં શરૂ થઇ શકે છે. આ સિઝનમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો જોડાવા જઇ રહી છે. આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. જુની તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

લખનઉની ટીમને ગોએન્કા ગ્રુપ દ્વારા 7090 કરોડમાં ખરીદવામાં આવી છે. જ્યારે CVC કંપનીએ 5625 કરોડમાં અમદાવાદની ટીમને ખરીદી છે. અમદાવાદ અને લખનઉ ટીમને બીસીસીઆઇ દ્વારા ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી માટે 22 જાન્યુઆરી છેલ્લી તારીખ આપી છે. આ બંને ખેલાડીઓએ ત્રણ-ત્રણ ખેલાડીઓને જાળવી રાખવાની તૈયારી કરી લીધી છે.

ટીમના નવા નિયમ મુજબ વધુમાં વધુ ત્રણ ખેલાડીઓને ડ્રાફ્ટ કરી શકાશે. જેમાં બે ભારતીય અને એક વિદેશી ખેલાડી હોવો જોઇએ. નવી ટીમો એક કરતાં વધુ અનકેપ્ડ ખેલાડીઓને ડ્રાફ્ટ કરી શકશે નહીં. જો કોઇ ફ્રેન્ચાઇઝી ત્રણ ખેલાડીઓને ડ્રાફ્ટ કરે છે તો તેના પર્સમાંથી 37 કરોડ રૂપિયા ઓછા થઇ જશે. જેમાં પ્રથમ ખેલાડીને 15 કરોડ, બીજા ખેલાડી 15 કરોડ અને ત્રીજા ખેલાડીને 7 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદની ટીમે ત્રણ ખેલાડીઓની પસંદગી કરી દીધી છે. પ્રથમ ખેલાડી તરીકે ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. તેને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. આ ખેલાડીને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા રીટેન કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત અમદાવાદની ટીમની કમાન આ ઘાતક ખેલાડીને સોંપવામાં આવી શકે છે.

આ ઉપરાંત અમદાવાદની ટીમે બીજા ખેલાડી તરીકે વિદેશી ખેલાડી રાશિદ ખાનની પસંદગી કરી છે. તેને 15 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમે જાળવી રાખ્યો છે. રાશિદ ખાન સાથે અમદાવાદની ટીમે ઘણીવાર ચર્ચા કર્યા બાદ ડીલ ફાઇનલ કરી છે. રાશિદ ખાનને હૈદરાબાદની ટીમે જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ સાથે વાતચીત બાદ આ ડીલ નક્કી થઇ છે.

અમદાવાદની ટીમે ત્રીજા ખેલાડી તરીકે ભારતીય યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની પસંદગી કરી છે. તેને 7 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડી ભવિષ્યમાં અમદાવાદની ટીમ માટે સફળ સાબિત થઇ શકે છે. આ ત્રણ ખેલાડીઓની જાહેરાત બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *