બે હાર અને બે જીત બાદ જાણો હવે ભારત કઇ રીતે પહોંચશે સેમિફાઇનલમાં…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ગઇકાલે એટલે કે 5 નવેમ્બરના રોજ ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ભારતે સ્કોટલેન્ડને 8 વિકેટે માત આપી સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. હવે ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમો પર આધાર રાખવો પડશે.

આ મેચ ની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી સ્કોટલેન્ડની ટીમ માત્ર 85 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પહેલી ઇનિંગમાં ભારતની ઘાતક બોલિંગ જોવા મળી હતી. ભારત તરફથી સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ લીધી હતી.

રનનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે આ લક્ષ્યને માત્ર 6.3 ઓવરમાં પૂર્ણ કરી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ 50 રન કેએલ રાહુલે બનાવ્યા હતા. આ સિવાય રોહિત શર્માએ પણ 30 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. જેના દમ પર ભારતે આ મેચ માત્ર 39 બોલમાં જીતી લીધી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની મેચ હાર્યા બાદ ભારતીય ટીમ માટે સેમીફાઇનલના દરવાજા બંધ થઇ ચૂક્યા હતા પરંતુ સતત બે મેચ જીત્યા બાદ હવે ફરી એક વખત લાગી રહ્યું છે કે ભારત સેમીફાઇનલમાં પહોંચી શકે છે. 7 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ નક્કી કરશે કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે કે નહીં.

જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો જ ભારત સેમિફાઇનલમાં પહોંચી શકશે કારણકે જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે તો અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ભારત ત્રણેય ટીમના પોઇન્ટ સરખા થવાની સંભાવના છે અને ભારતની નેટ રનરેટ હાલ સૌથી વધારે છે. તેથી કહી શકાય કે જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત સેમિફાઇનલમાં પહોંચી જશે.

ભારત માટે ટુર્નામેન્ટની શરૂઆત ખૂબ જ ખરાબ થઇ હતી. ભારત પાકિસ્તાન સામે દસ વિકેટે અને ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે હારી ગયું હતું. ત્યારબાદ ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી હતી. ભારતે અફઘાનિસ્તાનને 66 રને અને સ્કોટલેન્ડને 8 વિકેટે માત આપી સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *