ટીમ ઇન્ડિયા બાદ હવે આઇપીએલમાં આ ટીમના કોચ બની શકે છે રવિ શાસ્ત્રી…

ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. પ્રથમ બે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો. સતત ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પર ઘણા બધા સવાલો ઉઠયા હતા. સોશિયલ મીડિયા પર ટીમના તમામ ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઇ રહ્યો છે. જેને કારણે ભારતીય ટીમને એક નવો કોચ મળી રહેશે. તમને જણાવી દઇએ કે, ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન BCCIએ જાહેરાત કરી હતી કે ભારતીય ટીમના નવા કોચની તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે.

ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી પણ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ વર્લ્ડકપ પહેલા જ આ વાત જણાવી દીધી હતી. વર્લ્ડ કપ બાદ તરત જ ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સીરીઝ રમાવવાની છે. તેથી BCCI ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે.

17 નવેમ્બરના રોજ શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં કોચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી નિભાવશે. વર્લ્ડ કપ પછી શાસ્ત્રી ફરીથી કોમેન્ટેટર બની શકે છે. 2011ના વર્લ્ડકપમાં ધોનીએ સિક્સર મારીને વર્લ્ડકપ જીતાડવાની ક્ષણ હોય કે પછી યુવરાજની છ સિક્સર મારવાની ક્ષણ હોય, આ બંને ક્ષણોને શાસ્ત્રીએ પોતાના અવાજથી બુલંદ બનાવી હતી.

ટીમ ઇન્ડિયાના કોચ બાદ રવિ શાસ્ત્રી માટે આ એક વિકલ્પ છે તે કોમેન્ટેટર બની શકે છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની માંગ પર તેને ઇન્ડિયાના કોચ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે રવિ શાસ્ત્રી નો કાર્યકાળ સમાપ્ત થવા જઇ રહ્યો છે. તેથી તે હવે આઇપીએલ માં કોઇ એક ટીમના કોચ બની શકે છે.

વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રી કઇ ટીમ સાથે જોડાશે તે અગત્યનું છે. હાલમાં આઈપીએલમાં બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ જોડાઇ છે. તેમાં અટકળો ચાલી રહી છે કે રવિ શાસ્ત્રી કોની સાથે જોડાશ? અમદાવાદની ટીમે રવિ શાસ્ત્રીનો સંપર્ક કર્યો હતો અને રવિ શાસ્ત્રી પણ તેમાં જોડાવા ઇચ્છે છે. પરંતુ હજી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *