23 વર્ષના કરિયર બાદ ધોનીના આ ખાસ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સીરીઝ રમવા ગઇ છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતીય ટીમમાં દર વર્ષે યુવા ખેલાડીઓની એન્ટ્રી થતી હોય છે. પરંતુ ભારતીય ટીમમાં પહેલેથી જ સ્પિનરોનો દબદબો રહ્યો છે. ભારતના સ્પિનરોએ અત્યારસુધીમાં ઘણી મેચોમાં જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
ભારતના દિગ્ગજ સ્પિનર ની વાત કરીએ તો અનિલ કુંબલે, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ આ બધા ખેલાડીઓએ ભારતીય ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આવા જ એક સ્પિનર કે જે વર્લ્ડકપ 2011 નો ભાગ રહી ચૂકેલો છે તેણે 23 વર્ષની કારકિર્દી પછી ક્રિકેટને અલવિદા કહ્યું છે.
અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે શુક્રવારના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટ્વીટ કરીને હરભજનસિંહે આ અંગેની જાહેરાત કરી હતી. તેની 23 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. હરભજનસિંહ ભારત માટે ટોચનો સ્પિનર રહી ચૂક્યો છે. આ ખેલાડીને 2011 વર્લ્ડકપમાં જીતનો એક અગત્યનો હિસ્સો માનવામાં આવે છે.
41 વર્ષના હરભજને લખ્યું કે બધી સારી વસ્તુઓનો હંમેશા અંત આવતો હોય છે અને હું રમતને વિદાય આપું છું. ક્રિકેટએ મને જીવનમાં ઘણું બધું આપ્યું છે. હું મારા બધા ગુરુનો આભાર માનવા માગું છું કે જેણે 23 વર્ષની આ સફરને ખૂબ જ સુંદર બનાવી છે. હરભજનસિંહ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમતો હતો.
હરભજનસિંહ આગામી આઇપીએલ સિઝનમાં કોચ અથવા તો મેન્ટર તરીકે કોઇ પણ ટીમ સાથે જોડાઇ શકે છે. હરભજન સિંહ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2016 એશિયા કપ ટી-20માં યૂએઇ સામે રમી હતી. હરભજનસિંહ ગત આઇપીએલની સિઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલો હતો. લેગ સ્પિનર અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીએ ભારતીય ટીમનો મોરચો સંભાળ્યો હતો.
હરભજનસિંહે અત્યાર સુધીમાં કુલ 103 ટેસ્ટ મેચમાં 117 વિકેટ લીધી છે. આ ઉપરાંત વનડે ફોર્મેટમાં 236 મેચમાં 269 વિકેટ ઝડપી હતી. ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ 28 મેચોમાં 25 વિકેટ ઝડપીને દુનિયાનો સર્વશ્રેષ્ઠ સ્પિનર બન્યો હતો. 41 વર્ષના આ ખેલાડીએ 23 વર્ષની જબરદસ્ત કારકિર્દી રમીને વિશ્વમાં પોતાનું નામ સફળ સ્પિનર તરીકે સાબિત કર્યુ છે.