દિગ્ગજ ક્રિકેટરના મતે ભારત નહીં પરંતુ આ ટીમ જીતશે ટી-20 વર્લ્ડકપ…
ટી 20 વર્લ્ડ કપ 2021 ની શાનદાર શરૂઆત થઇ ગઇ છે. સુપર -12ની મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય ટીમને ટી 20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે કારણ કે ભારતીય ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે ગમે ત્યારે મેચ પલટી શકે છે.
આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમને ટાઇટલ જીતવા માટે સૌથી પ્રબળ દાવેદાર કેવી રીતે માનવામાં આવી શકે છે. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપ ભારતીય ટીમ છેલ્લે કેટલીક ટુર્નામેન્ટમાં ટાઇટલથી ઘણી દૂર છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે, ભારતીય ટીમ છેલ્લી કેટલીક ટુર્નામેન્ટમાં ટાઇટલથી ઘણી દૂર છે. જેના કારણે તેની ટાઇટલ જીતવાની શક્યતા ઓછી છે. ભારતીય ટીમમાં ભલે ગેમ ચેન્જર ખેલાડીઓ હોય પરંતુ તે નિર્ણાયક મેચમાં હારી જાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ વખતે ઇંગ્લેન્ડની ટીમ વિજેતા બની શકે છે કારણ કે ઇંગ્લેન્ડની ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા છે જે તેમને વિજેતા બનાવી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની ટીમો સારી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઉચ્ચ વર્ગના ખેલાડીઓ છે.
વોને આગળ વાત કરતા કહ્યું કે, ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા માટે સારું પ્રદર્શન કરશે પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ બહુ દૂર જઈ શકશે નહીં. અત્યાર સુધીમાં ભારત અને ઇંગ્લેન્ડ બંનેએ એક વખત કપ જીત્યો છે.
ભારતે વર્ષ 2007 માં પાકિસ્તાનને હરાવીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડે વર્ષ 2010 માં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનો પહેલો ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટી 20 વર્લ્ડ કપમાં આ બંને ટીમો અલગ અલગ ગ્રુપમાં છે. આ બંને ટીમો ફાઇનલ અથવા સેમી ફાઇનલમાં એકબીજાની સામે આવી શકે છે. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું.