સુનિલ ગાવસ્કરે ભારતને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ બે બદલાવો સાથે ઉતરવાની સલાહ આપી…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતે પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. જેમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત હવે પોતાની આગામી મેચમાં 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ભારત માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જરૂરી છે.

જો ભારત ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો સેમિફાઇનલ રેસમાંથી બહાર થઇ જશે. તેથી ભારતને આ મેચ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે. પાકિસ્તાન સામેની મેચ ની વાત કરીએ તો વિરાટ કોહલીએ સૌથી વધુ 57 રન વિરાટ કોહલીએ બનાવ્યા હતા. આ સિવાય તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેથી બોલિંગ અને બેટિંગ બંનેમાં બદલાવો થાય તેવું ક્રિકેટ નિષ્ણાંતોનું પણ કહેવું છે.

પાકિસ્તાન સામે કારમી હાર બાદ ટીમ કોમ્બિનેશનને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ ભારત માટે જીતવી ખૂબ જ જરૂરી છે. ભારત આ મેચને લઇને કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં. તેથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તમામ ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે.

ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના મતે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયામાં ફેરફારો થવા જોઈએ. સુનિલ ગાવસ્કરનું કહેવું છે કે જો હાર્દિક પંડ્યા આ મેચમાં બોલિંગ કરી શકતો નથી તો તેના સ્થાને ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઈએ કારણ કે હાર્દિક પંડ્યા હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

આ ઉપરાંત સુનિલ ગાવસ્કરે કહ્યું કે ભુવનેશ્વર કુમારના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ કારણ કે ભુવનેશ્વર કુમાર પણ હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુર બોલિંગની સાથે સારી એવી બેટિંગ પણ કરી શકે છે. સુનિલ ગાવસ્કરે ટીમમાં આ બે બદલાવ કરવાની સલાહ આપી છે.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે, જો ટીમ ઇન્ડિયામાં વધારે ફેરફારો કરવામાં આવશે તો તમે સામેની ટીમને સંદેશો આપી દેશો કે તમારી ટીમ ખૂબ જ ડરી ગયેલી છે. પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ભારતે તણાવ લેવાની જરૂર નથી કારણ કે ભારતની પાસે એવી ટીમ છે જે ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *