રોબિન ઉથપ્પાના મતે વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ ખેલાડી હશે ટીમ ઇન્ડિયાનો બેસ્ટ ફિનિશર…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 માં આજે ભારત પાકિસ્તાન સામે દુબઇમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતે પાકિસ્તાન સામેની આ મેચ પહેલા બે પ્રેક્ટિસ મેચો રમી હતી. જેમાં ભારતનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું. ભારતના આ પ્રદર્શનને જોતાં ચાહકો અત્યારથી જ અનુમાન લગાવી રહ્યા છે કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતની જીત થશે.

તમને જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડકપ 2021 માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં અત્યાર સુધી ફિનિશરની જવાબદારી મહેન્દ્રસિંહ ધોની નિભાવતા જોવા મળતા હતા, પરંતુ હવે આ જવાબદારી ટીમ ઇન્ડિયામાં કોણ નિભાવશે તે સૌથી મોટો સવાલ છે.

ટીમ ઇન્ડિયામાં હાર્દિક પંડ્યા એક મોટો મેચવિનર છે. તે મેચને માત્ર એક ઓવરમાં પલટી શકે છે. ભારત તરફથી આ વર્ષે ફિનિશરની જવાબદારી હાર્દિક પંડયા નિભાવશે, પરંતુ આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપરકિંગ્સના અનુભવી ખેલાડી રોબિન ઉથપ્પાનું કહેવું છે કે, ટી 20 વર્લ્ડકપ 2021 માં હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ ખેલાડી બેસ્ટ ફિનિશર હશે.

દિગ્ગજ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ એક શોમાં ભાગ લીધો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમમાં સર્વશ્રેષ્ઠ ફિનિશર છે અને તે હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી તે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તમને જણાવી દઇએ કે, આઇપીએલ 2021 માં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું.

આઇપીએલ 2021 માં રવિન્દ્ર જાડેજાએ યુએઇના મેદાનો પર તાબડતોડ બેટિંગ કરી હતી. તેના આ ફોર્મને જોતા રોબિન ઉથપ્પાની આ વાત નકારી શકાય નહીં. રવિન્દ્ર જાડેજાએ તેની બેટિંગમાં ઘણો સુધારો કર્યો છે. આ ઉપરાંત તે સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે અને સ્પિનર્સને અનુકૂળ વિકેટ પર તે ઘાતક બોલિંગ કરી શકે છે.

રોબિન ઉથપ્પાનું કહેવું છે કે અહીં વાતાવરણ બદલાઇ રહ્યું છે અને ઠંડી વધી રહી છે. તેનો અર્થ એ છે કે ઝાકળની ભૂમિકા મહત્ત્વની હશે. અમે ઘણા દિવસથી રણમાં છીએ અને અહીં ક્રિકેટ રમી રહ્યા છીએ. જ્યારે પારો ઘટે છે ત્યારે ઝડપથી ઘટે છે. જેના કારણે ઝાકળ મેચનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હશે.

હાલમાં જ પૂર્ણ થયેલ આઇપીએલ 2021 ભારતીય ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કારણકે આઇપીએલના બીજા ચરણમાં ભારતીય ખેલાડીઓએ અહીંના બધા મેદાનો પર મેચો રમી છે અને ત્યાંની પરિસ્થિતિ બાબતે વાકેફ છે. તેથી ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *