ગાવસ્કરના મતે આ છે ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ, જાણો શું છે તે…

આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમને હાર ન મળવાને કારણે સિલેક્શન ટીમ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય ટીમે વર્ષ 2021માં માત્ર છ વન-ડે મેચ રમી હતી અને તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર માટે ઘણા ભારતીય ખેલાડીઓ જવાબદાર છે.

આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય બોલરોએ શરૂઆતમાં ત્રણ વિકેટ લઇને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ ત્યારબાદ આફ્રિકન ખેલાડીઓએ દબદબો બનાવીને 296 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 265 રન જ બનાવી શકી અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ વન-ડે મેચ હાર્યા બાદ ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટીમને આગામી મેચ જીતવા માટે સલાહ આપી છે. ભારતના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇનો પર્દાફાશ કર્યો છે. સુનિલ ગાવસ્કરે 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમ અને વર્તમાન ટીમની સરખામણી કરતાં ઘણી મોટી વાતો કહી છે.

ગાવસ્કરે કહ્યું કે ભારતીય ટીમની મોટી ટુર્નામેન્ટમાં નિષ્ફળ રહેવાનું એક મોટું કારણ ટીમમાં ઓલરાઉન્ડરની કમી છે. જો તમે 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમ પર નજર કરો તો તે ટીમ આખી ઓલ રાઉન્ડરોથી ભરેલી હતી. વર્તમાન ટીમમાં શાર્દુલ ઠાકુર સિવાય અત્યારે કોઈ ખેલાડી સારો ઓલરાઉન્ડર દેખાતો નથી.

સુનિલ ગાવસ્કરના મતે વનડે ક્રિકેટમાં 6, 7 અને 8 નંબર પર એવા ખેલાડીઓની જરૂર હોય છે કે જેઓ બેટ અને બોલથી મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. યુવરાજસિંહ અને રૈનાએ 2011ના વર્લ્ડકપમાં ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવી હતી. છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ બની ચૂકી છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ઇજાને કારણે બહાર થયો છે. આવી સ્થિતિમાં આફ્રિકા પ્રવાસમાં ઓલરાઉન્ડર ખેલાડીની અછત સર્જાઇ રહી છે. ભારતીય ટીમને કાયમી અને લાંબા સમય સુધી ચાલે તેવા મજબૂત ઓલરાઉન્ડર ખેલાડીની જરૂર છે. સુનિલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ જણાવીને ટીમ ઇન્ડિયાને ઘણા મોટા સંકેતો આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *