ગૌતમ ગંભીરના મતે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પંત કે ઐયર નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી હોવો જોઇએ…

આઇપીએલ 2021માં દિલ્હી કેપિટલ્સના દરેક ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. દિલ્હી કેપિટલ્સ સતત ત્રીજી વખત આઇપીએલ પ્લેઓફમાં પહોંચી હતી. પરંતુ ત્રણ વખત આઇપીએલ ટ્રોફી પોતાના નામે કરવામાં નિષ્ફળ રહી.

તમને જણાવી દઈએ કે, 2019 અને 2020 માં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ જ્યારે 2021 માં રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચી હતી. પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું માનવું છે કે આગામી સીઝનમાં આ ખેલાડી દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હોવો જોઇએ.

આઇપીએલ 2021 ની શરૂઆત પહેલા શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સની કમાન રિષભ પંતે સંભાળી હતી. બીજા તબક્કામાં શ્રેયસ ઐયરની વાપસી થઇ હતી. પરંતુ પંતને કેપ્ટન બનાવી રાખવામાં આવ્યો હતો. પંતે જે રીતે આ સિઝનમાં ટીમની કેપ્ટનશીપ કરી છે તેના પ્રદર્શનને જોતાં કહી શકાય કે આગામી સિઝનમાં પણ તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહેશે.

આ બધાની વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, પંત કે ઐયર નહીં પરંતુ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટીમની કેપ્ટનશીપ કરવી જોઈએ. કારણ કે આઇપીએલ 2022માં મોટી હરાજી થવાની છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે દિલ્હી તેમની સાથે કયા ખેલાડીઓને જાળવી રાખે છે.

ગંભીરને એક શોમાં પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હી કેપિટલ્સે આગામી સીઝનમાં અશ્વિનને જાળવી રાખવો જોઈએ? આ સવાલનો જવાબ આપતા ગૌતમ ગંભીરે હા અને ના બંને જવાબો આપ્યા હતા. તેણે કહ્યું કે હું તેના સૌથી મોટા ચાહકોમાંનો એક છું. તે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંનો એક છે. હું જો ત્યાં હોત તો તેને આગામી આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવત.

તમને જણાવી દઇએ કે, ગંભીર એ કેપ્ટન છે, જેણે કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત આઇપીએલની ટ્રોફી અપાવી હતી. ત્યાર બાદ તે વર્ષ 2018માં દિલ્હી સાથે જોડાયો હતો. આ સીઝનમાં તેણે ટીમની કેપ્ટનશીપ અધવચ્ચે છોડી દીધી હતી. જે બાદ ટીમની કમાન શ્રેયસ ઐયરે સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *